હિન્દ ન્યુઝ,
સુશાસનનો મૂળમંત્ર આપનાર ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મજયંતિના દિવસથી શરૂ થયેલ સપ્તાહ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આપણા દેશમાં લોકશાહીના કારણે પ્રજાને તક મળે છે કે તે યોગ્ય જનપ્રતિનિધિઓને ચૂંટી શકે. છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી આ સરકારે પ્રજાજીવનના ઉદ્ધાર માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેના પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારના જન-જન સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. વધુમાં સાંસદએ જણાવ્યું કે, સમાજના તમામ વર્ગના લોકોને સમાન તક મળે તેવા સુશાસનના વિચારને રાજ્ય સરકાર મૂર્તિમંત કરી રહી છે. વંચિતો અને જરૂરિયાતમંદ લોકોને આવશ્યક સેવાઓની સાથે સાથે તેમને સમાજના મુખ્યપ્રવાહ સાથે જોડવા સાધનસહાય સહિતની મદદ પણ સરકાર કરી રહી છે. જેના ઉદાહરણ સ્વરૂપે આજે ૧,૨૪૪ જેટલા લાભાર્થીઓને રૂ.૭.૫૫ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવનાર છે. આ સરકારી યોજનાઓનો હેતુ તેનાથી લાભાન્વિત થઈ પગભર થવાનો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણાએ જણાવ્યું કે, સૌના સાથ સૌના વિકાસના મંત્રને વરેલી રાજ્ય સરકારની વિકાસયાત્રા વંચિતોના વિકાસ અને માનવસેવામાં પ્રભુસેવાના વિચારને સાર્થક કરે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોના હસ્તે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના તથા વિદેશ અભ્યાસ લોન યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની સમાજ સુરક્ષા કચેરી હસ્તકની યોજનાઓના ૨૮ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂા.૨.૮૦ લાખની સહાય હુકમ તથા સાધન વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિકસતિ જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની યોજનાઓના ૧,૧૭૧ લાભાર્થીઓને કુલ રૂ.૭૧૧.૪૨ લાખની સહાય લોનની રકમના ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની યોજનાઓના ૧૨ લાભાર્થીઓને કુલ રૂ.૬.૦૨ લાખની સહાય અને આદેશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી હસ્તકની યોજનાઓના ૧૧ લાભાર્થીઓને રૂ.૪.૪૦ લાખની સહાયના મંજુરી આદેશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સફાઈ કામદાર નિગમ તથા ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ હસ્તકની યોજનાઓના ૨૧ લાભાર્થીને રૂ.૩૦.૪૬ લાખની લોન સહાયનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, પ્રદેશ સંગઠનના મંત્રી શ્રીમતી જયશ્રીબેન દેસાઈ, બાળ સુરક્ષા કમિટિના ચેરમેન રમેશભાઈ ઠક્કર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનઓ સહિતના હોદ્દેદારો-પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આઈ.આર.મન્સુરી, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગના નાયબ નિયામક બી.એસ.પટેલ અને અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગના નાયબ નિયામક તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.