શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને ભાવનગરની નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજે સાંજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓના પડતર પ્રશ્નો તથા તેના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં કચરાનો નિકાલ, એસ.ટી.પી. દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરવાની યોજનાઓ, નગરપાલિકાઓને વૈકલ્પિક સ્ત્રોતથી પાણી પૂરું પાડવાની યોજનાઓ વિશે વિગતે સમીક્ષા હાથ ધરી હતી. મંત્રીએ સ્વનીધિ યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેવી યોજનાઓની તલસ્પર્શી વિગતો મેળવી તે અંગે ઉપસ્થિત ચીફ ઓફિસરઓ અને નગરપાલિકાના પ્રમુખઓને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ નગરપાલિકા વિસ્તારમાં સોલાર સિસ્ટમ લગાવી નગરપાલિકા વિસ્તારના વીજળીના બીલ ઘટાડવા માટેની યોજનાઓ વિશે માર્ગદર્શન આપીને શહેરો સ્વચ્છ અને સ્વસ્થ બને તે અંગે તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી. મંત્રીએ આ ઉપરાંત નગરપાલિકાના નવા મકાનો, નગરપાલિકાનો મહેકમ વધારા વિશેના પ્રશ્નો વગેરે વિશેની પણ જાણકારી મેળવી હતી. મંત્રીએ નગરપાલિકા દ્વારા વેરાની ઉઘરાણી માટે જન જાગૃતિ કેળવી સમયસર વેરાની ઉઘરાણી થાય અને નગરપાલિકાના વેરા પણ સમયસર ચૂકવાય તે પ્રકારની કાર્ય પદ્ધતિ વિકસાવવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહિયાએ ભાવનગરની નગરપાલિકાઓની કામગીરી વિશે મંત્રીને અવગત કરાવી પ્રગતિ હેઠળના તથા થયેલા કાર્યો વિશેની જાણકારી આપી હતી. આ સમીક્ષા બેઠકમાં નગરપાલિકા કમિશનરના અધિક કલેકટર ડામોર, નગરપાલિકાઓના પ્રમુખો, ચીફ ઓફિસરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment