ગીર-સોમનાથ
આઝાદીકા અમૃત મહોત્સવ અને ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સોમનાથ તીર્થના તમામ પુરાતન જળાશયોના સ્વચ્છતા કાર્યક્રમની સોમનાથ ગૌશાળા ખાતે શરૂઆત કરાઈ હતી. અધિક કલેકટર એસ.જે ખાચર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વેરાવળ મામલતદાર ચાંદેગરા સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા ખાતે પૌરાણિક કૂવા અને વાવની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રભાસ તીર્થના તમામ પુરાતન જળાશયોની સાફ-સફાઈ શરૂ કરવામાં આવી હતી.
ક્લીન ઇન્ડિયા અભિયાન સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અને નિર્મળતાની વૃદ્ધિ માટે જ્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય. ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ તીર્થના તમામ પૌરાણિક જળાશયોને વહીવટીતંત્ર અને ટ્રસ્ટના સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છ કરવામાં આવનાર છે ત્યારે આ તકે લોકોએ પણ જાગૃત બનીને જળાશયોની સ્વચ્છતાને કાળજી લેવી જોઈએ તેવું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.