હિન્દ ન્યુઝ,ભાવનગર
રાજ્યમાં અત્યાર સુધી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને કોરોનાનું વેક્સીનેશન કરાવવાં માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. આ રજિસ્ટ્રેશન માટે પ્રથમ તો મોબાઇલ કે ઇન્ટરનેટ જોઇએ. પરંતુ જો રજિસ્ટ્રેશન કરાવવું હોય અને આ સગવડ ન હોય તો શું ? આવી ફરજિયાત અમૂક લોકો પાસેથી સાંભળીને ભાવનગરના આનંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન જસાણીને વિચાર આવ્યો કે, જો આવા લોકોનું રજિસ્ટ્રેશન આપણે જ કરી દઇએ તો આ સમસ્યાનું સમાધાન આવી જાય.
આ વિચારને ડો. ક્રિષ્નાબેને તેમના ઉપરી અધિકારીઓેને જણાવ્યો અને તેમના સહકારથી તેમના કાર્યસ્થળ એટલે કે આનંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમણે જે લોકો રસીકરણ માટે આવે તેમને સ્થળ પર જ સ્લોટનું બુકિંગ કરી આપવાની શરૂઆત કરી.
જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો અને છેલ્લાં ૧૫ દિવસમાં તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧ હજારથી વધુ લોકો કોરોનાની રસીકરણનો લાભ લઇ ચૂક્યાં છે.
ડો. ક્રિશ્ના કહે છે કે, કોરોના સામે રક્ષણ મેળવવાં માટે રસીકરણ એ અમોઘ શસ્ત્ર અને રામબાણ ઇલાજ છે. જ્યાં સુધી કોરોનાની સારવારની યોગ્ય પધ્ધતિ કે સંશોધન ન થાય ત્યાં સુધી કોરોના સામે રક્ષણ મેળવવાં માટે રસીકરણ એ જ હથિયાર છે.
જેમ-જેમ સમાજના વધુને વધુ લોકો રસીકરણ કરાવશે તેમ-તેમ કોરોનાના સંક્રમણનો ભય ધીમે-ધીમે ઓછો થતો જશે તેમ જણાવતાં તેઓ કહે છે કે, તેમના તાબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નીચે મોટા પ્રમાણમાં લઘુમતી સમાજના લોકો આવે છે. જેઓ રસીકરણ ન લેવાને અગ્રતા આપતાં હોય છે. જેથી તેમને સમજાવવાં તે એક મોટી સમસ્યા હતી. તો ટેક્નોલોજીની અણઆવડત અને સગવડનો અભાવ કોરોનાના રજિસ્ટ્રેશનની વચ્ચે આવતો હતો. તેથી મારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવનારનું સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાવવાથી આ બધી સમસ્યાથી મુક્તિ મળી ગઇ હતી અને સરળતાથી લોકોનું રસીકરણ કરાઇ શકાયું હતું તેમ તેઓ વધુમાં ઉમેરે છે.
તેમણે આનંદના ભાવ સાથે જણાવ્યું કે, રાજ્ય સરકારે તેમની લાગણીની જાણે નોંધ લીધી હોય તેમ આજથી અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યાં વગર રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરી છે. આજે તેમના કેન્દ્ર પર ૧૫૦ લોકોની નોંધણી કરીને કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી