અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

હિન્દ ન્યુઝ અંબાજી

     સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે તા.૨૮ મે-૨૦૨૧ સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૨૭ મે-૨૦૨૧ હુકમ અન્વયે અંબાજી મંદિર તા. ૪/૬/૨૦૨૧ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે.
    વધુમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ, જગદ્દજનની પથિકાશ્રમ (હોલી ડે હોમ) તથા અંબિકા ભોજનાલય પણ તા.૪ જુન-૨૦૨૧ સુધી બંધ કરવામાં આવે છે.
     અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારી સામે માં અંબે સર્વેની રક્ષા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. આપ સૌ બિન જરૂરી ઘરની બહાર ન નિકળો, સામાજિક અંતર રાખો ફરજીયાત માસ્ક પહેરો અને સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરો તથા વેક્શિન લઇને પોતાની, પોતાના પરિવારજનોની સુરક્ષા સુનિશ્વિત કરીએ તથા તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરીએ.

રિપોર્ટર : બિપીન સોલંકી,અંબાજી

Related posts

Leave a Comment