“સૌરાષ્ટ્રનું રિજિયોનલ સેન્ટર છે રાજકોટ, ઘણા ફાયર સેફ્ટી ઓફિસરોની જરૂર છે, ફાયર સેફ્ટી ઓફિસરની કામગીરી એ માનવતાની સેવાનું ઉત્તમ કામ છે, તાલીમમાં ગુરુ પાસેથી મહતમ વિદ્યા નીચોવી લ્યે તે શ્રેષ્ઠ શિષ્ય” : ઉદિત અગ્રવાલ (રાજકોટ મ્યુનિ. કમિશનર)
હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨-૦૨-૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે ફાયર સેફ્ટી ઓફિસર અંગેની ટ્રેનિંગ ની શરૂઆત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં અને ગુજરાતમાં પ્રથમવાર ચાર મહાનગરો જેમાં રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં પ્રથમ તબક્કાની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં મોરબી રોડ ઓવરબ્રીજ પાસે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે યોજાયેલા આજથી ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાયબ મ્યુનિ. કમિશનરઓ એ.આર.સિંહ અને સી.કે.નંદાણી, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર, સિટી એન્જી. વાય.કે.ગૌસ્વામી, નાયબ ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા, આસી. મેનેજર વત્સલ પટેલ તેમજ ફાયર શાખાની ટીમ ઉપરાંત અન્ય સંસ્થામાંથી આવેલા માસ્તર ટ્રેઇનર નીરજ દુબે (ડેપ્યુટી જનરલ મેનેજર ઓફ ફાયર એનર્જી, જામનગર), વિનય ચોટાઈ (સિની. ઓફિસર ઓફ ગુજરાત ગેસ લીમીટેડ), વિવેક બુચક (જામનગર મ્યુનિ. કોર્પોરેશનના એક્સ. ફાયર ઓફિસર) અને આર.કે. મહેશ્વરી (રાજકોટ મહાનગરપાલિકાના એક્સ. ફાયર ઓફિસર) તેમજ ખાનગી ક્ષેત્રમાંથી ટ્રેનિંગ લેવા આવેલા બી.ઈ. મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ ડીગ્રી ધરાવતા ૨૨ ફાયર સેફ્ટી ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તાલીમાર્થીઓને થીયરીક્લ અને પ્રેક્ટિકલ એમ બંને પ્રકારની તાલીમ આપવામાં આવશે. શહેરમાં રાખવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરાવવો, આગ લાગે ત્યારે તેમાંથી કેવી રીતે બચવું તે અંગેનું માર્ગદર્શન ફાયર સેફ્ટી ઓફિસરોને આપવામાં આવશે. રાજકોટ શહેરમાં ૧૦ હજારથી વધુ બિલ્ડીંગ છે ત્યારે ફાયર સેફ્ટીનું મહત્વ ખુબ જ વધી જાય છે. ફાયર સેફ્ટી એ માત્ર તંત્રની જ નહીં પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. ટેમ્પરરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતું હાય છે, જે બાંધકામ સાઈટની કામગીરી ચાલુ હોય તેને ટેમ્પરરી એન.ઓ.સી.આપવામાં આવે છે જયારે બાંધકામ પૂર્ણ થયે તેને ફાઈનલ એન.ઓ.સી. આપવામાં આવે છે અને આ એન.ઓ.સી. સમયાંતરે રીન્યુ પણ કરવાનું હોય છે. આ માટે પ્રાઇવેટ એજન્સીઓની જવાબદારી બને છે. માત્ર ફાયર એન.ઓ.સી લેવાથી કે સાધન રાખવાથી સમસ્યા હલ નહી થાય આ માટે લોકોની પણ જવાબદારી રહે છે. આવશ્યકતા જણાયે લોકોએ પણ સમયસુચકતા સાથે પોતાની જવાબદારી નિભાવવાની રહે છે. અલબત્ત ફાયર સેફ્ટી અને રેસ્ક્યુ માટે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ ચોવીસે કલાક સક્રિય છે જ પરંતુ નાગરિકોએ પણ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજવાની રહે છે.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું રિજિયોનલ સેન્ટર છે, શહેરમાં ઘણા ફાયર સેફ્ટી ઓફિસરોની જરૂર છે, ફાયર સેફ્ટી ઓફિસરની કામગીરી એ માનવતાની સેવાનું કામ છે. આગ સામે ઝઝૂમીને ફાયર ઓફિસરો લોકોની સેવા કરે છે. આજથી શરૂ થતી આ ટ્રેનિંગમાં તમામ ફાયર સેફ્ટી ઓફિસરો માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગને સંપૂર્ણપણે ગંભીરતાથી સમજે અને તાલીમમાં તો ગુરુ પાસેથી મહતમ વિદ્યા નીચોવી લ્યે તે શ્રેષ્ઠ શિષ્ય કહેવાય, તેમ પણ મ્યુનિ. કમિશનરએ કહ્યું હતું.
ચીફ ફાયર સેફ્ટી ઓફિસરશ્રી ખેરએ સંપૂર્ણ પ્રોગ્રામની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ ફાયર સેફ્ટી ઓફિસરની તાલીમ સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી અને ૨૪ દિવસની રહેશે. આ ટ્રેનિંગમાં થીયરી, પ્રેક્ટિકલ, સાઈટ વિઝીટ રહેશે. સંપૂર્ણ ક્વોલીફાય થયેલા ૨૨ તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જેની ટ્રેનિંગ આજથી શરૂ કરવામાં આવી છે.
ફાયર સેફ્ટી ઓફિસર શું કરશે ?
શહેરની બિલ્ડીંગોમાં રીન્યુઅલ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ઇસ્યુ થયેલા છે તેની ચકાસણી કરશે અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ઇસ્યુ કરી શકાશે.
ફાયર સેફ્ટી ઓફિસર (FSO) ની ટ્રેનિંગ અંગે ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ થી ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત થઇ હતી. જેનું ઓનલાઈન પોર્ટલ fso.gujfireseftycop.in છે. આ ટ્રેનિંગ થી શહેરની વસાહતોને ફાયર સેફ્ટી અંગેની માહિતી પુરી પાડશે તેમજ મેન્ટેનન્સ અને સેવા પણ પુરી પાડશે. આ તાલીમનો સમયગાળો એક માસનો રહેશે. આ તાલીમ ત્રણ પ્રકારની રહેશે, જનરલ, એડવાન્સ અને સ્પેશિયલ. જેમાં જનરલ ટ્રેનિંગ સૌપ્રથમ રાજકોટ સહીત ગુજરાતના ત્રણ મહાનગરો શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, મોરબી રોડ, ઓવરબ્રિજ પાસે, રાજકોટ ખાતે આ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.