હિન્દ ન્યૂઝ, રાજપીપલા,
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટર ઓફીસ ખાતે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતની કાર્ય યોજનાનો સુચારૂ અમલ થાય તે સુનિશ્ત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા મોટર વાહન નિરીક્ષક વી.ડી.આસલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન ઉભા કરવાની સાથે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાં, રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૦-૨૧ અંતર્ગત જિલ્લામાં જીવલેણ અકસ્માતો ઘટે તે માટે લેવામાં આવેલ પગલાં, તેનાથી પ્રાપ્ત થયેલ પરિણામ અને અકસ્માતને અનુલક્ષીને કરવામાં આવેલ આયોજનનની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા જિલ્લામાં જે કામો અધુરા હોય તે કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા મોટર વાહન નિરીક્ષક અને ઈન્ચાર્જ એ.આર.ટી.ઓ વી.ડી.અસલે ઉક્ત બેઠકની રૂપરેખા રજુ કરી હતી.
આ બેઠકમાં રાજપીપલા નગર પાલિકાના ચીફઓફીસર પરાક્રમસિંહ મકવાણા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ એસ.ટી. ડેપો મેનેજર પી.પી.ધામા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા