નડિયાદના જાહનવી વ્યાસ ભાજપ ના પ્રદેશ મંત્રી બન્યા

હિન્દ ન્યૂઝ, નડિયાદ

          તા.૯/૧/૨૧, આણંદ જિલ્લામાં પૂર્વ સહકાર મંત્રી સી.ડી.પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી જીગ્નેશ પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ દરકિનાર જોવા મળી રહ્યા છે.

             ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ ટીમની જાહેરાત કરી છે. નિર્ણાયક અને સાહસિક નિર્ણયો માટે જાણીતા બનેલ પાટીલના પાવર પોલિટિક્સમાં આણંદ ના કોઈ નેતાને સ્થાન મળ્યું નથી. ચરોતરમાં ભાજપને મજબૂત કરી શકે અને સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના નબળી કરી શકે તેવા અનેક રાજકીય અને સહકારી આગેવાનો હોવા છતાં કોઈ મજબૂત ગણાતા આગેવાન કાર્યકરોને પ્રદેશ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મહત્વનું છે કે ખેડા જિલ્લામાંથી નડિયાદના મહિલા કાર્યકર અને નડિયાદ નગરપાલિકા સભ્ય જાહનવીબેન વ્યાસને પ્રદેશ મંત્રીનું પદ મળ્યું છે. ગતટર્મ માં આણંદ ના રમણભાઈ સોલંકીને પ્રદેશમંત્રી માં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે તેઓને હાલ આંણદ જિલ્લા મહામંત્રી નું પદ આપવામાં આવ્યું છે. જાહન્વીબેન વ્યાસ ને પ્રદેશ સંગઠનમાં મંત્રી બનાવતા મહેમદવાદ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ નડિયાદ ધારાસભ્ય અને વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ ટીમે અભિનંદન પાઠવ્યા હતા.

            પાટીલના પાવર પોલિટિક્સમાં આણંદની નેતાગીરી બાકાત. ગુજરાત ભાજપ પ્રદેશ ટીમમાં પાટીલના પાવર પોલિટિક્સમાં આણંદની નેતાગીરીની ગણના નથી. આણંદ જિલ્લા ભાજપ માંથી કોઈ જ કાર્યકરને પ્રદેશ ટીમમાં સામેલ ન કરતાં અચરજ વ્યાપી છે. આણંદ રાજકીય અને સહકારી આગેવાનો મોટી સંખ્યા ધરાવતા જિલ્લામાં કોઈ જ આગેવાનોને પ્રદેશ ટીમમાં સ્થાન ન મળતા સ્થાનિક કાર્યકરોમાં વિરોધી સુર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આગામી મહિનાઓમાં સ્થાનિક સત્તામંડળોની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવેલ આ અન્યાય કેવા સમીકરણો ઉભા કરે છે તે જોવું રહયુ..!

          ચરોતર પ્રદેશ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસ માં કેન્દ્રીય રાજકારણમાં કોંગી અગેવાનોનો દબદબો રહ્યો છે. કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપ ની બોલબાલા છે પરંતુ હજુ ચરોતરમાં મોદી નો જાદુ ચાલ્યો નથી. વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ નો તોડ ભાજપ પાસે નથી. પંકજભાઈ દેસાઈ, દેવુસિંહ ચૌહાણ અને રામસિંહ પરમાર જેવા દિગ્ગજ કોંગી આગેવાનોને ભાજપમાં મહત્વ અને સત્તાસ્થાન મળ્યું છે પરંતુ આ રાજકીય માંધાતાઓ પણ ચરોતરમાં ભાજપને મજબૂત કરી શક્યા નથી. તો બીજી તરફ આણંદ જિલ્લામાં પૂર્વ સહકાર મંત્રી સી.ડી.પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી જીગ્નેશ પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ દરકિનાર જોવા મળી રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ પાસે ચરોતરની કાચી ચિઠ્ઠી..

            ગુજરાત પ્રેદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચરોતરની ખામી અને ખૂબી ને સમજતા હોઈ આંતરિક જૂથવાદ અને ખેંચતાણ ની વિગતો મેળવી લીધી હોવાની માહિતી મળી રહી છે. ખેડા આણંદ જિલ્લામાં ભાજપમાં જ ઘણા જૂથો પડી ગયા છે અને એકબીજાની અથડામણમાં પાર્ટીને નુકશાન કરી રહ્યા હોવાની વિગતો જગજાહેર છે. આગામી ચૂંટણીઓમાં કોઈ રાજકીય ખેંચતાણ કે જૂથવાદ ન વકરે તે બાબત ધ્યાને લઈ ચરોતરના કોઈ એક મોટા ભાજપ આગેવાનને પ્રદેશ ટીમમાં સ્થાન ન મળ્યું હોવાનું ગણિત ચરોતરના રાજકીય પંડિતો ભાજપના જુના જોગીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment