ડભોઇ એસ.ટી ડેપો પાસેના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી -સુવિધાઓનો અભાવ -દેશી દારૂની પોટલીઓ ની રેલમ છેલ

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઇ નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ એસટી ડેપો પાસે ના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે, સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ શૌચાલય માં પ્રાથમિક સુવિધાઓ જેવીકે યુરીનલટબ, પાણીની લાઈન , વોશબેઝિન, રંગરોગાન જેવી પાયાની જરૂરિયાતો નો સદંતર અભાવ જોવા મળે છે. સદર શૌચાલયમાં માં ઠેરઠેર લાદીઓ ઉખડી ગયેલી હાલતમાં છે તેમજ પુરુષોના વિભાગમાં વચ્ચેના પાર્ટીશનો પણ ગાયબ થઈ ગયેલી હાલતમાં છે. સદર શૌચાલય એસટી ડેપોની બહાર આવેલું હોવાથી દરરોજ અસંખ્ય લોકો તેનો ઉપયોગ કરે છે પરંતુ પારાવાર ગંદકીના કારણે ઘણીવાર લોકો શૌચાલયની બહાર જ પોતાની ક્રિયાઓ પતાવી દે છે. જેથી આસપાસનો માહોલ અત્યંત દુર્ગંધ યુક્ત બની જાય છે. નવાઈની વાત તો એ છે કે આ શૌચાલય થી નજીકના અંતરમાં એસ.ટી. ડેપો પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં આ શૌચાલયમાં દિવસ દરમિયાન પણ દેશી દારૂનું સેવન કરતા લોકો દારૂપીવા માટે આ શૌચાલય નો ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવે છે. જેથી શૌચાલયમાં દિવસ દરમિયાન પણ દેશી દારૂની ખાલી પોટલીઓ નો જથ્થો જોવા મળી રહ્યો છે. શૌચાલય ના સંચાલકો પણ આ બાબતે તદ્દન નિષ્કાળજી રાખી રહ્યા હોવાનું જણાઈ આવે છે. આસપાસના લોકો પાસેથી મળતી માહિતી મુજબ આ શૌચાલયના સંચાલકો પે એન્ડ યુઝ વિભાગની સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરે છે. જ્યારે સ્ત્રીઓ અને પુરુષો માટેના યુરીનલ વિભાગ તરફ સહેજ પણ ધ્યાન આપતા નથી. જેના કારણે આ વિભાગમાં પારાવાર ગંદકી, સુવિધાઓનો અભાવ અને તદ્દન નિષ્કાળજી જણાઈ આવે છે. સમગ્ર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલી છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર આવેલ આ શૌચાલય માં લોકો દિવસ દરમિયાન દેશી દારૂનું સેવન કરતા હોવાનું આ ખાલી પોટલીઓ ના આધારે સ્પષ્ટ જણાઈ આવે છે. નવાઈની વાત તો એ પણ છે કે સદર શૌચાલય ની પાસે જ સી.સી.ટીવી કેમેરા પણ લાગેલા છે. તેમ છતાં આ દારૂડિયાઓ કોઈના પણ ડર રાખ્યા વગર આ શૌચાલયનો ઉપયોગ દારૂપીવા માટે કરતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જાણવા મળતી માહિતી મુજબ આ શૌચાલયથી નજીકના જ અંતરે દેશીદારૂના વેચાણનો અડ્ડો હોવો જોઇએ તો જ દિવસ દરમિયાન આ શૌચાલય માં આટલી મોટી માત્રામાં ખાલી પોટલીઓ નો જથ્થો જોવા મળી રહ્યો છે. સદર શૌચાલય ના સંચાલકો, સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્રની નિષ્કાળજીના કારણે આ શૌચાલય માં આવો શરમભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રજાજનોની માંગ છે કે સ્થાનિક તંત્ર અને શૌચાલય ના સંચાલકો આ શૌચાલયની નિયમિત સફાઈ કરાવે અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવે જેથી પ્રજાજનો તેનો સારી રીતે ઉપયોગ કરી શકે અને પોલીસ તંત્ર એ પણ આ શૌચાલયનો દારૂ પીવા માટે ઉપયોગ કરતાં દારૂડિયાઓને સત્વરે ઝડપીપાડે તેવી અસરકારક કાર્યવાહી કરવી જોઈએ. જેથી આ શૌચાલયનો દારૂપીવા માટેની જગ્યા તરીકેના ઉપયોગ માંથી મુક્તિ મળે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment