હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
તા.૧૪, કોવિડ-૧૯ની અસરની ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ, નવરાત્રી અને આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે માર્ગદર્શક સુચનાઓ જારી કરવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહમા ૬ ફૂટનું અંતર રાખવુ, ચહેરાને ઢાંકી રાખવો, થર્મલ સ્કેનીંગ, સેનેટાઈઝરની સુવિધા, સાધનો સેનેટાઈઝ કરવા, હેન્ડવોશ, થુંકવા પર પ્રતિબંધ, ૬૫ વર્ષની વયના નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાઓ, અન્ય બિમારીથી પિડાતા લોકોએ ભાગ લેવો નહિ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ, કોઈપણ સ્થળે ૫૦ થી વધુ લોકો ભેગા ન થાય અને ૬ ફૂટનું અંતર રાખવુ, તબીબી સુવિધાઓ તરત ઉપલબ્ધ કરવાની રહેશે. બંધ સ્થળો જેવા કે હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરેન્ટ, ઓટીડોરીયમ, કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડીએ ઉપયોક્ત આયોજન દરમ્યાન ઉપરોક્ત સુચનાઓનું પાલન કરવાનું રહેશે. સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહિ અને ૨૦૦ વ્યક્તિની મર્યાદા, લગ્ન સત્કાર સમારંભમાં સ્થળની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછી સંખ્યા હોય તે, ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટેલ, આતિથ્ય એકમો અંગે એસ.ઓ.પી.નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એરકન્ડીશન/વેન્ટીલેશન માટે સી.પી.ડબલ્યુ.ડી. માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. મૂ્ત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહતમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહિ, નવરાત્રિ દરમ્યાન સ્થાનિક વહીવટી તંત્રની પુર્વ મંજુરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પુજા અને આરતી કરી શકાશે. ધાર્મિક ઉજવણીમાં ગરબા, દુર્ગા પુજા, દશેરા, ઈદ-એ-મિલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે રહીને કરવી સલાહ ભર્યું છે. ખુલ્લી જગ્યાએ પુજા-આરતી કરી શકાશે પરંતુ ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહિ, ૨૦૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ, આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે. પ્રસાદી વિતરણ કરી શકાશે નહિ, કોઈપણ શરતોનો ભંગ થાય તો સબંધિત સ્થળના સંચાલક, સોસાયટીના પ્રમુખ/હોદેદારો તથા આયોજન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ