હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુરના જંગલોમાં થતા
સીતાફળ આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યા. સ્થાનિક ભાષામાં અનુરા તરીકે ઓળખાતા સીતાફળ સંપૂર્ણ ઓર્ગેનિક ફળ હોઇ એની માંગ ખૂબ જ રહેતી હોય છે. સમૃદ્ધ વન્ય સંપદાથી સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતા સીતાફળના વૃક્ષો આ જિલ્લાના આદિવાસી સમાજ માટે પુરક રોજગારી આપી રહ્યા છે. અનેક ઇમારતી વૃક્ષો, ઔષધિય વનસ્પતિ, ચારોળી સહિત સીતાફળના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળે છે.
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલોમાં કુદરતી રીતે જ સીતાફળના ઝાડો ઉગી નિકળે છે. પોતાની માલિકીના જમીનમાં ઉગતા ઝાડો પરથી માલિક પોતે જ ફળોનું વેચાણ કરે છે જયારે જંગલમાં કે પંચાયતની જમીનમાં રહેલા ઝાડોને ગામની સહિયારી મિલકત ગણવામાં આવે છે.
અહીંના આદિવાસી સમાજના લોકો સવારની પહોરમાં જંગલમાં જઇ સીતાફળનો પાક ઉતારી એક જગ્યા પર એકત્ર કરે છે. જયાં સીતાફળની છટણી કરી ક્રેટ તેમજ બોક્ષમાં પેકીંગ કરી વાહનોમાં લોડ કરવામાં આવે છે. અહીંના સીતાફળ અમદાવાદ, બરોડા, ભરૂચ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોકલવામાં આવે છે. કુરદતી રીતે જ ઉગી નિકળતા આ ઝાડોના ઉછેર માટે કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી રીતે જ ઉછરતા આ ઝાડો પર થતાં ફળો સંપૂર્ણ ઓર્ગેનિક હોઇ તેની ખૂબ જ માંગ રહેતી હોવાનું જાણકારોનું કહેવું છે. ઓર્ગેનિક હોવાને કારણે આ ફળો ખાવામાં ખૂબ જ મીઠા હોય છે.
સીતાફળના ઝાડના ઔષધિય ગુણોને કારણે પણ અહીંના લોકોમાં તેનું અનેરૂં મહત્વ છે. અહીંના લોકો તેમના જાનવરોને જો કોઇ ઘા વાગે કે ગાંઠ ગુમડું થાય તો સીતાફળના પાન અને બીને વાટી તેનો લેપ કરે છે. માણસને ઘા થાય કે ગોળ ગુમડું થાય તો સીતાફળના કાચા ફળને ઘસીને તેનો લેપ કરે છે. મોટારામપુરા ગામના પરશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારથી જોઇએ છીએ કે, અમારા વડીલો સીતાફળને વેચીને આવક મેળવતા હતા. અમે પણ સવારમાં જંગલમાંથી સીતાફળ તોડી લાવી એકત્ર કરીએ છીએ. અહીંથી ગાડી ભરીને ભરૂચ, અમદાવાદ, વડોદરા અને સુરતના માર્કેટમાં જાય છે. સામાજીક અગ્રણી રાજુભાઇ રાઠવા જણાવે છે કે, સીતાફળના ઝાડ અમારા આદિવાસી સમાજ માટે આશિર્વાદ સમાન છે. અમે સીતાફળ વેચી જે આવક થાય એનાથી જીવન ગુજરાન ચલાવીએ છે. વીસ કિલોના રૂા. ૧૫૦ થી ૨૫૦ના ભાવે વેચાતા સીતાફળનો વીસ કિલોની પેટીમાં પેક કરીને વેચાણ કરવામાં આવે છે. એક કુંટુંબ પ્રતિ વ્યક્તિદીઠ એક દિવસમાં રૂા. ૫૦૦ સુધીની આવક રળી લે છે. આમ, પંદર દિવસથી માંડી વીસ દિવસ સુધી ચાલતી સીતાફળ હાર્વેસ્ટિંગની સિઝન દરમિયાન એક કુંટુંબ વીસથી ત્રીસ હજાર રૂપિયાની આવક મેળવે છે.આમ, છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા આદિવાસી જિલ્લાની પ્રજા રોજગારીના ટાંચા સાધનો વચ્ચે જીવન વ્યાપન કરે છે, એવામાં કુદરતની ભેટ સમાન સીતાફળ અહીંના લોકોને આજીવિકા રળી આપવાનું માધ્યમ બન્યું છે.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર