બાળકોને કલા શીખવતાં શીખવતાં પોતાની કલાને આપી નવી ઓળખ: વડોદરાના અંગિતાબેન સાહની સર્જનાત્મક સફર

હિન્દ ન્યુઝ, વડોદરા

જીવનના દરેક તબક્કે વ્યક્તિની જવાબદારીઓ બદલાતી રહે છે. બાળકોના ઉછેર અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી મહિલાઓને ઘણીવાર પોતાની ગમતી પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી. પરંતુ જ્યારે જીવનની વ્યસ્તતા થોડી ઓછી થાય છે, ત્યારે વર્ષોથી મનમાં રહેલો શોખ ફરી ખીલી શકે છે. વડોદરાનાં અંગિતાબેન સાહની કલાસફર આ વાતને સુંદર રીતે વ્યક્ત કરે છે. બાળકો નાના હતાં ત્યારે તેમને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે ચિત્રકામ શીખવતાં અંગિતાબેન આજે પોતાની જ કલાને નવો આયામ આપી રહ્યાં છે. એક સમયે પરિવાર સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ આજે તેમના માટે આત્મસંતોષ, આનંદ,સર્જનાત્મક અભિવ્યક્તિ સહિત રોજગારીનું માધ્યમ બની છે.

અંગિતાબેન સાહે હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. ચિત્રકલા પ્રત્યેનો તેમનો લગાવ કોઈ ઔપચારિક તાલીમનું પરિણામ નથી, પરંતુ માતા પાસેથી વારસામાં મળેલા કલાના સંસ્કારોનું પ્રતિબિંબ છે. બાળપણથી કલા સાથે જોડાયેલા આ સંસ્કાર સમય જતાં તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા હતા. જોકે, પરિવારની જવાબદારીઓ વચ્ચે આ શોખને વ્યાપક સ્વરૂપ આપવાની તક તેમને પાછળથી મળી જ્યારે બાળકો મોટા થઈને પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થવા લાગ્યાં, ત્યારે અંગિતાબેનને પોતાના માટે વધુ સમય મળવા લાગ્યો અને આ સમયને તેમણે માત્ર રોજિંદી પ્રવૃત્તિઓ પૂરતો મર્યાદિત રાખવાને બદલે વર્ષોથી મનમાં વસેલી કલાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. ચિત્રોમાં રંગો પૂરવા, નવી નવી વસ્તુઓ બનાવવી અને અલગ અલગ કળા પ્રકારો અજમાવવા જેવી પ્રવૃત્તિઓ ધીમે ધીમે તેમની દિનચર્યાનો હિસ્સો બની ગઇ.

અંગિતાબેનના જણાવ્યા અનુસાર, કલા તેમના માટે માત્ર વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ નથી, પરંતુ મનને વ્યસ્ત રાખવા, આનંદ મેળવવા અને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરવાનું માધ્યમ પણ છે. ખાસ કરીને જીવનના એવા તબક્કે, જ્યારે બાળકો સ્વતંત્ર બનતાં માતાની દિનચર્યામાં ખાલીપો અનુભવાઈ શકે છે, ત્યારે મનગમતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેવું નવી ઊર્જા અને આત્મસંતોષ આપી શકે છે.

અંગિતાબેન જ્યારે પોતાનાં બાળકોને કલા શીખવતાં હતાં, ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સર્જનાત્મકતા વિકસાવવાનો અને તેમની સાથે સમય વિતાવવાનો હતો. આજે એ જ બાળકો મોટા થઈને માતાના કલાપ્રેમને પ્રોત્સાહન આપે છે. અંગિતાબેનના જણાવ્યા અનુસાર, હવે તેમનાં બાળકો તેમને કહે છે કે, તમે તમારી કલા આગળ વધારો, અમે તમારી સાથે છીએ.પરિવાર તરફથી મળેલું આ પ્રોત્સાહન અંગિતાબેન માટે વિશેષ મહત્તવ ધરાવે છે. અગાઉ બાળકોની સર્જનાત્મકતા વિકસાવવા માટે સમય આપતાં અંગિતાબેન આજે પોતાની સર્જનાત્મક ઓળખને વધુ વિકસાવી રહ્યાં છે. આ રીતે, એક પેઢીને કલા સાથે જોડવાનો પ્રયાસ હવે પોતાની કલાને નવી ઓળખ આપવાની સફરમાં પરિવર્તિત થયો છે.

અંગિતાબેનની સર્જનાત્મકતા ચિત્રકલા પૂરતી સીમિત નથી. તેઓ ગોંડ આર્ટ અને અન્ય પરંપરાગત ચિત્રકલાની સાથે કોફી આર્ટ, લીંપણકલા, ક્લે આર્ટ, ક્રોશે, મોર્ડન આર્ટ અને ભરતકામ જેવી વિવિધ કળાઓમાં પણ કામ કરે છે. આ ઉપરાંત, તેઓ હાથથી બનાવેલ બેગ, ટોટ બેગ, નવરાત્રિ અને વિવિધ તહેવારોને અનુરૂપ ભરતકામવાળી બેગ, તોરણ, ગજરા તથા ગૃહ સજાવટ અને અન્ય હસ્તકલાની વસ્તુઓ પણ બનાવે છે. તહેવારો અને પ્રસંગોને અનુરૂપ વસ્તુઓ તૈયાર કરીને તેઓ પરંપરાગત કળાને રોજિંદા જીવન સાથે જોડવાનો પ્રયાસ કરે છે. આ રીતે, વિવિધ પ્રકારની હસ્તકલા અને સર્જનાત્મક વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની તક ઊભી થાય છે.

અંગિતાબેન સમતા સખી મંડળનાં સભ્ય પણ છે. તેમની આ પ્રવૃત્તિઓમાં તેઓના પતિ સુનિલ સાહનો પણ સહયોગ મહત્તવપૂર્ણ છે. અંગિતાબેન સર્જનાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સુનિલભાઈ તેમને માર્કેટિંગ અને અન્ય જરૂરી સહયોગ પૂરો પાડે છે. પરિવારના સહકારથી અંગિતાબેન પોતાની કલાને વધુ લોકો સુધી પહોંચાડવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.

અંગિતાબેનની સફર એ વાત તરફ ધ્યાન દોરે છે કે કલા શીખવા માટે હંમેશાં ઔપચારિક તાલીમ કે કોઈ ચોક્કસ ઉંમરની રાહ જોવી જરૂરી નથી. ઘણીવાર બાળપણથી મનમાં રહેલો શોખ જીવનના પછીના તબક્કે ફરી ખીલી શકે છે. પરિવારની જવાબદારીઓની વચ્ચે પોતાની ઓળખને જાળવી રાખવી અને પોતાના માટે આનંદની જગ્યા ઊભી કરવી પણ એટલી જ મહત્તવપૂર્ણ છે.

અંગિતાબેન માટે કલા આજે માત્ર એક શોખ નથી, પરંતુ જીવનમાં નવીનતા જાળવવાનો, મનગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવવાનો અને પોતાની ક્ષમતાઓને ઓળખવાનો માર્ગ છે. તેમની સફર એ સંદેશ આપે છે કે ઉંમર કે જીવનની બદલાતી જવાબદારીઓ સર્જનાત્મકતાનો અંત નથી. યોગ્ય પ્રોત્સાહન અને પોતાની રુચિ પ્રત્યેનો લગાવ હોય, તો જીવનના કોઈ પણ તબક્કે નવી શરૂઆત કરી શકાય છે.

Related posts

Leave a Comment