રાષ્ટ્રપતિની વડોદરા-પાદરા મુલાકાતને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા

    રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આગામી તા. ૨૩ના રોજ વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે પધારનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાત સુચારૂ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

આ સંદર્ભે આજે વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રપતિશ્રીના આગમન-પ્રસ્થાન, કાર્યક્રમ સ્થળે જરૂરી વ્યવસ્થાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ તેમજ માર્ગ વ્યવસ્થા સહિતની વિવિધ બાબતો અંગે સંબંધિત અધિકારીઓ અને કાર્યક્રમના આયોજકો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ તા. ૨૩ના રોજ સવારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે યોજાનારા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવી એનાયત કરશે. ત્યારબાદ બપોરે પાદરા ખાતે તાજપુરા રોડ પર આયોજિત બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બંને કાર્યક્રમોને અનુલક્ષીને જરૂરી તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા બેઠકમાં સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

બેઠક દરમિયાન કાર્યક્રમ સ્થળો પર વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવા તેમજ રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ આગમન-પ્રસ્થાનના માર્ગો અને પાર્કિંગ વ્યવસ્થા સહિતની તમામ આનુષંગિક કામગીરીનું સુચારૂ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. 

બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલ, અધિક નિવાસી કલેકટર બી.એસ. પટેલ, પ્રાંત અધિકારી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના રજીસ્ટ્રાર, બ્રહ્મકુમારીના ટ્રસ્ટી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment