રાણીયા પ્રાથમિક શાળામાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, વડોદરા

     વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા સી.આર.સી. અંતર્ગત આવેલી રાણીયા પ્રાથમિક શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરતાં શાળાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તથા રાણીયા ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની ગૌરવવંતી શૈક્ષણિક સફરને સ્મરણ કરવામાં આવી હતી.

શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબો, નાનું નાટક સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પ્રતિભાવો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મુખ્ય શિક્ષકના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ દિવસથી વિવિધ સમિતિઓની રચના કરી આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાણીયા પ્રાથમિક શાળા ધોરણ ૧થી ૮ સુધીની શાળા છે, જેમાં ૨૭૫થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળામાં લર્નિંગ લેબ, કોમ્પ્યુટર લેબ, વાચનાલય સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાસ પદ્ધતિ, એકમ કસોટીઓ, વાલી સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખેલ મહાકુંભ તથા શાળાકીય રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા સતત કાર્યરત છે.

આ પ્રસંગે કંપનીના માધ્યમથી શાળાને પ્રાપ્ત થયેલા નવા ઓરડાનું રાણીયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા કંપનીના ઉપસ્થિત મેનેજરશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાણીયા ગામના સરપંચશ્રીએ શાળાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગામના તમામ બાળકોને ગામની જ શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે જવાબદારીપૂર્વક પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શાળાના શિક્ષકો દ્વારા ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ, યોગ, ધ્યાન તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે.

કાર્યક્રમના પથદર્શક અને માર્ગદર્શક સમગ્ર શિક્ષાના કોઓર્ડિનેટર મુકેશભાઈ શર્માએ ભાદરવા ક્લસ્ટરની ૧૭ શાળાઓમાં રાણીયા પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શાળાઓ પૈકીની એક ગણાવી હતી. રાણીયા ગામમાં અગાઉ એક રૂપિયાના ટોકન દંડની પ્રથામાંથી પ્રાપ્ત થતી રકમના સહયોગથી શાળા નિર્માણ કરવામાં આવી હોવાની ઐતિહાસિક ગૌરવગાથા પણ આ પ્રસંગે યાદ કરવામાં આવી હતી. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હવે શાળાનું નવું સુંદર સંકુલ, સેનિટેશન અને લાઇટ સહિતની સુવિધાઓ સાથે સુસજ્જ કરવામાં આવ્યું છે.

શતાબ્દી મહોત્સવ નિમિત્તે ‘શતાબ્દી શાળાની ગૌરવગાથા’ નામના પુસ્તકનું લેખન-સંકલન સી.આર.સી. કોઓર્ડિનેટર મુકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પંડિત તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હેમંતભાઈ માછીએ રાણીયા પ્રાથમિક શાળાને શતાબ્દી પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના શિક્ષકો દ્વારા સંસ્કારસભર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી આદર્શ વિદ્યાર્થીઓના ઘડતર માટે કરવામાં આવતી કામગીરીને પણ આ પ્રસંગે બિરદાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment