હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા ગામમાં થ્રી-ફેઝ વીજ જોડાણ, વિવિધ જગ્યાએ નમી ગયેલા વીજ પોલ તેમજ ઢીલા વાયરોની સમસ્યા અને ગામના નવા મકાનોમાં વીજ જોડાણ મેળવવા અંગે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રામજનોની રજૂઆતને પગલે પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અર્થે કલેક્ટર એન.ડી. પરમારે વીજ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જેના પ્રતિસાદરૂપે વીજ વિભાગ દ્વારા ૪૮ કલાકથી પણ ઓછા સમયમાં ચીકટિયા ગામના આચાર્યને જરૂરી માર્ગદર્શન આપી લોડ વધારવાની અરજી કરાવવામાં આવી હતી. જે અન્વયે અંદાજપત્ર ભર્યાના દિન-૭ માં થ્રી-ફેઝ જોડાણની અરજીનો હકારાત્મક નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગ્રામજનોની રજૂઆત સંદર્ભે ગામમાં નમી ગયેલા ૫ જેટલા વીજ પોલ સીધા કરવામાં આવ્યા હતા તેમજ અન્ય ૪ નવા વીજ પોલ ઊભા કરી માળખાકીય સલામતી તથા વીજ પુરવઠાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. સાથે જ પેન્ડિંગ રહેલી ૩ અરજીઓનો નિકાલ કરી તાત્કાલિક નવા વીજ જોડાણ આપી દેવામાં આવ્યા હતા. આમ, આહવા વીજ વિભાગે સંબંધિત પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવી જરૂરી તકેદારીના પગલાં સાથે વીજ વ્યવસ્થાને સુરક્ષિત બનાવી હતી.
ગ્રામજનોની રજૂઆત સંદર્ભે કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરાતાં, ગ્રામજનોએ તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરી કલેક્ટરનો આભાર માન્યો હતો.
ચીકટિયા ગામની આ મુલાકાત દરમિયાન આહવા મામલતદાર રજની વૈષ્ણવ સહિત સંબધિત અધિકારી કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
