હિન્દ ન્યુઝ, ડાંગ
ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે તા. 23 જુલાઈ, 2026ના રોજ સવારે 04:00 કલાકે જાહેર કરાયેલી આગાહી મુજબ જિલ્લાના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ (15 મી.મી. પ્રતિ કલાકથી વધુ) સાથે મધ્યમ ગાજવીજ, 41 થી 61 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનના ઝોકા તેમજ વીજળી પડવાની ઊંચી સંભાવના (60 ટકાથી વધુ) વ્યક્ત કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પણ સારો વરસાદ નોંધાયો છે.
જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ તા. 22 જુલાઈના વરસાદમાં આહવા તાલુકામાં 158 મી.મી., વઘઈ તાલુકામાં 369 મી.મી. અને સુબીર તાલુકામાં 67 મી.મી. વરસાદ નોંધાતા અહીં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 198 મી.મી. વરસાદ નોંધાયો છે.
સંભવિત અસર
– વીજળી પડવાની શક્યતા.
– નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ.
– તેજ પવનના કારણે વૃક્ષો અથવા ડાળીઓ પડવાની શક્યતા.
– માર્ગ વ્યવહાર પ્રભાવિત થવાની સંભાવના.
નાગરિકો માટે મહત્વની સૂચનાઓ
– ગાજવીજ અને ભારે વરસાદ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવું.
– ખુલ્લા મેદાન, નદી-નાળા, તળાવો અને જળાશયો નજીક જવાનું ટાળવું.
– વૃક્ષ નીચે આશરો ન લેવો.
– વીજળી ચમકતી હોય ત્યારે મોબાઇલ અથવા ધાતુની વસ્તુઓનો ખુલ્લામાં ઉપયોગ ટાળવો.
– જરૂરિયાત વિના મુસાફરી ન કરવી અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
