હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદ અને આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરશ્રી સુરભિ ગૌતમ એ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (District Emergency Operation Centre) ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે વરસાદની સ્થિતિ, વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો, નદી-નાળા અને જળાશયોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લામાં હાલ કોઈપણ પ્રકારની ગંભીર આપત્તિજનક સ્થિતિ સર્જાઈ નથી અને તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક તાલુકા કક્ષાએથી મળતી માહિતીનું સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટરએ સતત સતર્ક રહી કામગીરી જાળવી રાખવા તથા કોઈપણ સ્થળેથી વરસાદજન્ય સમસ્યાની જાણ થતાં ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના ગામો અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા ભાર મૂક્યો હતો.
કલેક્ટરએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, ભારે વરસાદ દરમિયાન નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા રસ્તાઓ અને વહેતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તેમજ જિલ્લા તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી
અફવાઓ અથવા અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અને માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ આધાર રાખવા પણ તેમણે ખાસ અપીલ કરી હતી. જિલ્લામાં વરસાદી આપત્તિ સંબંધિત કોઈપણ પ્રકારની જાણકારી આપવા અથવા તાત્કાલિક મદદ મેળવવા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
