આરબીએસકે ટીમની ત્વરિત કામગીરીથી જન્મજાત એનોરેક્ટલ ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુનું સફળ ઓપરેશન 

હિન્દ ન્યુઝ, દાહોદ

   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી, ઝાલોદ ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીના પરિણામે એક નવજાત શિશુને નવજીવન મળ્યું છે.

ગુલતોરા ગામના નિવાસી શ્રીમતી જશોદાબેન સુરેશભાઈ નિસરતાને તા. ૦૪/૦૭/૨૦૨૬ના રોજ મહીપ હોસ્પિટલ, ઝાલોદ ખાતે પ્રસૂતિ થઈ હતી. જન્મ બાદ નવજાત શિશુમાં Imperforate Anus (Anorectal Malformation – ARM) જેવી ગંભીરi જન્મજાત ખામી હોવાનું નિદાન થયું હતું.

આ અંગેની જાણ થતા જ ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરબીએસકે (RBSK) ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીએચસીના તબીબ ડૉ. મહેશ ગણાવા, આરબીએસકે ટીમ તથા MPHS શ્રી અતુલભાઈના સંકલિત પ્રયાસોથી બાળકના વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુ સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા.

સમયસર સારવાર મળતા તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું, અને હાલ બાળકની તબિયત સંતોષજનક છે.

એનોરેક્ટલ માલફોર્મેશન (ARM) શું છે?

એનોરેક્ટલ માલફોર્મેશન (ARM) એ એક જન્મજાત ખામી છે, જેમાં બાળકનો ગુદામાર્ગ (Anus) અને મળમાર્ગ (Rectum)નો વિકાસ યોગ્ય રીતે થતો નથી. કેટલાક બાળકોમાં ગુદાનું છિદ્ર હોતું નથી અથવા તે ખોટી જગ્યાએ હોય છે, જેના કારણે મળ બહાર નીકળવામાં ગંભીર મુશ્કેલી ઊભી થાય છે.

મુખ્ય લક્ષણો

ગુદાનું છિદ્ર ન હોવું અથવા અસામાન્ય સ્થાન પર હોવું.

જન્મ પછી મળ ન થવો.

પેટમાં સોજો અથવા ફૂલવું.

મળ પસાર કરવામાં મુશ્કેલી.

કેટલાક કિસ્સાઓમાં ચેપ થવાની શક્યતા.

સારવાર

ARM ની મુખ્ય સારવાર સર્જરી છે. સમયસર નિદાન અને યોગ્ય હોસ્પિટલમાં સારવારથી મોટાભાગના બાળકો સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી શકે છે.

આરોગ્ય વિભાગની અપીલ

આરોગ્ય વિભાગ તમામ સગર્ભા માતાઓ અને નવજાત શિશુના વાલીઓને અપીલ કરે છે કે જન્મ બાદ બાળકમાં કોઈપણ પ્રકારની જન્મજાત ખામી જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરબીએસકે ટીમનો સંપર્ક કરી તાત્કાલિક સારવાર મેળવે. સમયસર નિદાન અને યોગ્ય સારવાર બાળકના સ્વસ્થ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.

Related posts

Leave a Comment