દેવગઢ બારિયાના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક રૂ. ૭ લાખથી વધુની મેળવી રહ્યા છે આવક

હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ. ૭ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. તેમણે ખેતીમાં વિવિધ પાકો, નર્સરી અને વિવિધ ફળફળાદી સહિત અન્ય વૃક્ષોનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભરતભાઈ પટેલ વર્ષ ૨૦૧૬થી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતનાં વિવિધ સ્થળોએ તાલીમ મેળવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનમાં પણ ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના કુરુક્ષેત્ર સ્થિત ફાર્મ ખાતે પણ તાલીમ મેળવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ જાણી હતી. તાલીમમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

હાલમાં તેઓ પોતાના ઘરે નર્સરીમાં વિવિધ શાકભાજીના રોપા તૈયાર કરી તેનું ઘરેથી જ વેચાણ કરે છે. સાથે જ તેમના ખેતરમાં આશરે ૭૦ કેસર કેરીના આંબા, ૫૦ નારિયેળનાં વૃક્ષો, ૫૦ જામફળનાં વૃક્ષો, ૧૦૦ દાડમનાં વૃક્ષો અને આશરે ૪૫૦ ચંદનનાં વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. જેમાંથી તેઓને સારી આવક મળે છે.

ભરતભાઈ પટેલ જણાવે છે કે, “વર્ષ ૨૦૧૬માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. શરૂઆતમાં ગાય આધારિત ખેતી કેવી રીતે શક્ય બનશે તે અંગે મનમાં પ્રશ્નો હતા. પરંતુ વિવિધ સ્થળોએ તાલીમ મેળવ્યા બાદ સમજાયું કે રાસાયણિક દવાઓ અને ખાતરો વિના પણ ખેતી કરી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટાડી સારી આવક મેળવી શકાય છે.”

મેં પોતાના ઘરે જ જીવામૃત, ઘન જીવામૃત અને વર્મીકમ્પોસ્ટ તૈયાર કરીને ખેતીમાં ઉપયોગ કર્યો તેનાથી ખેતીમાં બહારથી ખરીદવાનાં ખાતરો પરનો આધાર ઘટે છે અને ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં મદદ મળે છે.

દાહોદ જિલ્લાના ખેડૂતોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો રાસાયણિક દવાઓ અને ખાતરોનો ઉપયોગ ઘટાડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, ખેતીમાં થતો ખર્ચ ઘટે છે અને આવકમાં વધારો થાય છે. સાથે પ્રાકૃતિક પેદાશથી લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે. જેથી આવો સૌ સાથે મળીને ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી કરીએ

Related posts

Leave a Comment