જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધો-૧ માં પ્રવેશ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર

         રાજ્યભરમાં ચાલી રહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજે ત્રીજા દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવડાવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીએ આ અવસરે વક્તવ્ય આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને કન્યાઓ પણ દીકરાઓ જેટલું જ શિક્ષણ મેળવે તે માટે પ્રતિવર્ષ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ કરેલા આ શિક્ષણ અભિયાનને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે તેમ જણાવી તેમણે શિક્ષણથી જીવનમાં કેવાં પરિવર્તનો આવે છે તે અંગેની વિસ્તૃત સમજ આપી હતી.

માંડવા ગામે શાળામાં પ્રવેશ લેતાં બાળકોએ ટોપી ધારણ કરીને કુમકુમ તિલક સાથે ધોરણ-૧ માં પ્રવેશ મેળવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ બાદ જિલ્લા વિકાસ અધિકારી  ડો. પ્રશાંત જિલોવા ગામના ઇ-ધરા કેન્દ્ર પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ઇ-ધરા કેન્દ્ર પર કરવામાં આવતી કામગીરી તથા આ કામગીરીમાં કઈ રીતે બધું ચોક્કસતા લગાવીને ગામ લોકોને વધુ ઉપયોગી બની શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ અવસરે માંડવા ગામના સરપંચ, ગ્રામજનો, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment