હિન્દ ન્યુઝ,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ધંધુસર ગામે સિંગલ પ્લાસ્ટિક પ્રતિબંધ અને સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા માટે પ્રેરણા આપવાનો હતો.
આ તકે તાલુકા વિકાસ અધિકારી એચ. એન. ઓડેદરા જણાવે છે કે સરકારશ્રી દ્વારા તા. ૮ જૂનથી ૧૪ જૂન દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરરોજ જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને ગઈકાલે શાપુર મુકામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શુભારંભ કરવામાં આવ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે “પ્લાસ્ટિક મુક્ત ભારત” થીમ આધારિત કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે પી.એમ. શ્રી ભીમશીબાપા થાપલિયા પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજાયો હતો, જેમાં પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખી આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રહેશે.
કાર્યક્રમ દરમિયાન એક અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો કે, “લોકો ખિસ્સામાં ૨૦૦ ગ્રામનો સ્માર્ટ ફોન રાખી શકે છે, પરંતુ ૩૦ ગ્રામની કપડાની થેલી રાખતા નથી”.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી વિરાજ દિવરાણીયાએ જણાવ્યું કે આજ રોજ અમારા ગામે અમારી શાળામાં પ્લાસ્ટિક મુક્ત ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં તાલુકા તથા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તેમણે જણાવ્યું કે “પ્લાસ્ટિક નહીં હોય તો પર્યાવરણ વધુ સારું રહેશે અને કેન્સર જેવા ગંભીર રોગોનો ખતરો પણ ઓછો થશે અમને બાળકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે જ્યાં-ત્યાં પ્લાસ્ટિક નહીં ફેંકીએ, હંમેશા ડસ્ટબિનનો ઉપયોગ કરીશું અને અમારી શાળા, ગામ તથા દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા યોગદાન આપીશું.”
શાળાની વિદ્યાર્થીની રીતિષા દિવરાણીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ આ ઝુંબેશ દેશના ગામડાં સુધી પહોંચી રહી છે. “આપણો દેશ ગામડાઓનો બનેલો છે, જો ગામડાં સમૃદ્ધ અને સ્વચ્છ બનશે તો દેશ પણ સમૃદ્ધ બનશે,” એમ તેમણે ઉમેર્યું.
કાર્યક્રમમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ મહેશભાઈ દિવરાણીયા, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચાંડેલા, તાલુકા અધિક મદદનીશ ઇજનેર જે. એમ. સુતરીયા, બ્લોક કો-ઓર્ડિનેટર વી. કે. મકવાણા, ક્લસ્ટર કો-ઓર્ડિનેટર ડી. એસ. પરમાર, સરપંચ પ્રતિનિધિ ચીનુભાઈ દિવરાણીયા, શાળાના આચાર્ય ધીરુભાઈ દાસા, આરોગ્ય કર્મચારી ડો. લલિતભાઈ ધામેલિયા, આંગણવાડી સ્ટાફ, તલાટી મંત્રી તેમજ શાળાના સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
