હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
“સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું” ના સંકલ્પ અને ૧૦ વર્ષની આ સેવાયાત્રાને બિરદાવવા માટે યોજાયેલા આ કેમ્પમાં માળિયાહાટીના પંથકની બહોળી સંખ્યામાં સગર્ભા, માતાઓએ ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન તમામ સગર્ભા માતાઓનું બ્લડ પ્રેશર (BP) અને વજનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.લોહી અને યુરિનના જરૂરી ટેસ્ટ કરી, હિમોગ્લોબિન (એનિમિયા) તેમજ ડાયાબિટીસ સ્ક્રીનિંગ જેવી તપાસ સ્થળ પર જ મફત કરવામાં આવી હતી.
સગર્ભા બહેનોને આયર્ન (IFA) અને કેલ્શિયમની જરૂરી ગોળીઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર એનીમિયા, હાઈ BP કે અન્ય કોઈ જટિલતા ધરાવતી (જોખમી) સગર્ભા માતાઓની ખાસ ઓળખ કરી, તેઓને વિશેષ દેખરેખ હેઠળ રાખવાનું સુનિશ્ચિત કરાયું હતું.
આ કેમ્પમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર દ્વારા તમામ સગર્ભા બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી સાવચેતી, યોગ્ય પોષણ અને આહાર વિશે વિસ્તૃત સમજણ આપી, સમયસર તપાસ કરાવી “સુરક્ષિત માતા, સ્વસ્થ બાળક અને સુખી પરિવાર” ના ધ્યેયને સાર્થક કરવા જણાવ્યું હતું. આ સાથે જ, પ્રસુતિ હંમેશા સરકારી દવાખાનામાં જ (સંસ્થાકીય પ્રસુતિ) કરાવવા માટે ઉપસ્થિત તમામ માતાઓને વિશેષ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
PMSMA ના ૧૦ વર્ષના આ સેવાયજ્ઞ અંતર્ગત માળિયા તાલુકા હેલ્થ ઓફિસના માર્ગદર્શન હેઠળ તમામ PHC ના મેડિકલ ઓફિસર્સ, સુપરવાઈઝર્સ, FHW અને આશા બહેનોએ આ કેમ્પને સફળ બનાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
