હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં ૮ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને સેવાસેતુની સેવાઓનો નાગરિકોને સ્થળ પર જ લાભ મળશે.
જામનગર તા.૬ જૂન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કલેક્ટર કચેરી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરએ વિગતો આપતા જણાવ્યા હતું કે, આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા સરકારશ્રીના વિકાસકાર્યો અને સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’ મારફતે છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવશે, જ્યારે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ સંમેલન)’ દ્વારા સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અંગે સંવાદ અને વિચારવિમર્શ યોજાશે.
આ કાર્યક્રમોના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા ઝુંબેશ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતી વિશેષ પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત, ‘જન કલ્યાણ શિબિર’માં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ ૫૫ જેટલી સેવાઓના મળવાપાત્ર લાભ પણ સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે.અને કેન્દ્ર સરકારની ૧૫ યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જનવિશ્વાસથી જનકલ્યાણ સુધીની ૧૨ વર્ષની આ સફળ યાત્રાની ઉજવણીને લોકભાગીદારીનો ઉત્સવ બનાવવા માટે જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના અગ્રણી નાગરિકો, પૂજ્ય સંતો-મહંતો, સામાજિક આગેવાનો, યુવાનો તથા વિશાળ સંખ્યામાં નાગરિકોને જોડવામાં આવશે.
