હિન્દ ન્યુઝ, ભુજ
ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, યોજનાનું માળખું સુદ્રઢ બને, પાણી વેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે. જે હેઠળ તાજેતરમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા તથા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચાયતોને પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ યોજના ૦ % થી ૩૦ % સુધી પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની પંચાયતોને જ લાગુ પડે છે. આ ગામોમાં E-ગ્રામ પોર્ટલ મુજબ ઉઘરાવેલ પાણી વેરાની ખરાઈ કર્યા બાદ પાત્રતા ધરાવતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક યોજનાની રકમ ફાળવવામાં આવે છે. યોજનાના માપદંડ મુજબ પાણી વેરાની થયેલ વસૂલાત કુલ માંગણાના ૫૦ % કરતાં વધુ હોવી જોઇએ. ગ્રામ પંચાયતને મહત્તમ રૂ. ૧,૫૦,૦૦૦/- સુધીની મર્યાદામાં પ્રોત્સાહન રકમ મળવા પાત્ર છે. ઉપરાંત નાણાંકીય વર્ષ દરમિયાન જેટલા ઘરોમાંથી પાણી વેરા વસૂલાત થયેલી હોય તે માટે ગ્રામ પંચાયતના VCEને ડેટા એન્ટ્રી થયેલ પ્રતિ ઘર લેખે રૂ. ૭/- પ્રોત્સાહન મળવાપાત્ર રહે છે. છે.
પાણી વેરા પ્રોત્સાહન યોજનાના પ્રારંભિક વર્ષ ૨૦૨૪-૨૫માં કચ્છ જિલ્લા પંચાયત કચેરીએથી દરખાસ્ત થયેલ અને મંજૂર થયેલ કુલ ૪૨ જેટલી ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૨૬.૧૦ લાખની પ્રોત્સાહક રકમ તેમજ ગ્રામ પંચાયતના VCE મારફતે સહયોગ / કરેલ કામગીરી માટે વેરો ઉઘરાવાયેલ પ્રતિ ઘર દીઠ રૂ. ૭/- લેખે કચ્છ જિલ્લાના કુલ ૨૨૪ જેટલા VCEને કુલ રૂ. ૧૦.૦૫ લાખ જેટલી પ્રોત્સાહન રકમ વાસ્મો દ્વારા ફાળવવામાં આવેલ છે.
ઉપરોક્ત ૪૨ પૈકી ૦૭ જેટલી ગ્રામ પંચાયતોને ભુજ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ત્રિકમ છાંગા, પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાણી વેરા વસૂલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૦% વેરા વસૂલાત કરનાર રાપર તાલુકાની શાણપર, ૫૦% વેરા વસૂલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાનનગર, નાગોર, નખત્રાણા તાલુકાની નેત્રા, માંડવી તાલુકાની ગૂંદીયાળી, લખપત તાલુકાની જુણાગીયા, ભચાઉ તાલુકાની ઘરાણા ગ્રામ પંચાયતોને સન્માનિત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગામોમાં પાણી વેરા વસૂલાત ખૂબ જ ઓછી છે તે ગામો માટે આ પાણી સમિતિઓ / ગ્રામ પંચાયતો અન્ય પાણી સમિતિઓ / ગ્રામ પંચાયતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
