અરવલ્લી,
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જયારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેમાં અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓને નુકશાન થયું હતું પરંતુ જિલ્લા વહિવટીતંત્રની સજ્જતાથી રસ્તાઓ પૂર્વવત કરાયા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના શનિવાર સવારથી રવિવારના સવારના ૬ કલાક દરમિયાન મોડાસામાં ૭૯, ભિલોડામાં ૧૩૦, મેઘરજમાં ૭૩, માલપુરમાં ૧૪૯, બાયડમાં ૬૯ અને ધનસુરામાં ૧૬૦ મળી કુલ ૬૬૦ મી.મી વરસાદ નોંધાયો હતો. જેને લઇ શહેરથી ગ્રામ્ય વિસ્તારને જોડતા ભિલોડા, માલપુર અને બાયડના ૧૬થી વધુ રસ્તાઓને નુકશાન પંહોચ્યું હતું પરંતુ અરવલ્લી જિલ્લા તંત્રની સજ્જતાથી કોઇ મોટી જાનહાનિ થઇ નથી .
કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું. જિલ્લાના ઇમરજન્સી રીસપોન્સ ટીમ દ્વારા જે રસ્તાઓને નુકશાન થયું હોય ત્યાં સમારકામ હાથ ધરીને તે રસ્તાઓને ગણતરીના કલાકોમાં પૂર્વવત કરાયા છે, જયારે નીચાણ ડીપ રસ્તાઓ પર જયાં ભયજનક રીતે પાણી વહેતા હોય તે રસ્તાઓ અવર-જવર બંધ કરી ત્યાં પોલીસ ટીમ સજ્જ કરાઇ છે. જયારે વરસાદને લઇ જિલ્લાના ૩૦૦થી વધુ નાના તળાવોમાં તેમજ ડેમમાં નવા નીરની આવક થઇ છે.
રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી