હિન્દ ન્યુઝ, ઉમરેઠ
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા. ૨૩/૦૪/૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં મતદારોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ‘મતદાર જાગૃતિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ઉમરેઠના SNDT ગ્રાઉન્ડ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાબેન પટેલ તથા તેમની સાથે સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામીનીબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા મતદાન જાગૃતિના આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન SNDT ગ્રાઉન્ડ પર અંદાજીતા ૭૦૦ જેટલા દીવડાઓ પ્રગટાવીને ‘ઉમરેઠ કરશે મતદાન’નું સૂત્ર કંડારવામાં આવ્યું હતું. ઝળહળતા દીવડાઓના માધ્યમથી ઉપસ્થિત સૌ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ કાર્યક્રમ દ્વારા દરેક નાગરિકનો મત દેશના વિકાસ અને મજબૂત લોકશાહીના નિર્માણમાં પાયાનું યોગદાન આપે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારો કોઈપણ પ્રકારના ભય, પ્રલોભન કે લાલચમાં આવ્યા વગર મુક્ત અને ન્યાયી રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદારોને પ્રેરિત કરવાનો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્થાનિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દીવડાઓ તૈયાર કર્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ આંગણવાડીની બહેનોએ પણ સક્રિય સહયોગ આપ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રીતે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મતદારો અચૂકપણે મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
