હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા.૨૩મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરી એ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.
સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ અર્થે ઉમરેઠ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ‘વૃક્ષારોપણ’ થકી પર્યાવરણના જતનની સાથે ‘મતદાન જાગૃતિ’ નો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો.
મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે યુવાઓએ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરી, મતદારોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતુ કે, જેમ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો અગત્યનું પરીબળ છે, તેવી જ રીતે તંદુરસ્ત લોકશાહિ માટે મતદાન અગત્યનું છે. આ તકે યુવા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરીને નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરેઠ ખાતે સ્વીપ અંતર્ગત ઉમરેઠની સ્થાનિક કોલેજના કેમ્પસ ખાતે યુવા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
