હિન્દ ન્યુઝ, વડોદરા
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ના છઠ્ઠા દિવસે આજે વડોદરા જિલ્લાના પ્રખ્યાત ત્રિમંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને મંત્રીશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા જોડાયા હતા. તેમણે ત્રિમંદિરથી મેનપૂરા સુધી લગભગ ૧૩ કિલોમિટરની પદયાત્રા કરી સરદાર પટેલનો સંદેશ પ્રસારાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ આ પ્રસંગે સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું. સરદાર સાહેબે ભારતમાં વિલીનીકરણ કરેલા ૫૬૨ રજવાડાઓના પ્રતીક રૂપે આ સ્મૃતિ વનમાં એકસાથે ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત આ પદયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર આવેલા ગામોના લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ યાત્રા પર પુષ્પવર્ષા કરીને આદર વ્યક્ત કર્યો હતો. સમગ્ર વાતાવરણ “જય સરદાર”ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે સરદાર સાહેબ પ્રત્યેની જનતાની અખૂટ શ્રદ્ધા દર્શાવે છે.
આ પદયાત્રામાં બાળકો દ્વારા હાથે દોરેલા સરદાર સાહેબના વિવિધ ચિત્રો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકોની કલા અને રાષ્ટ્રભક્તિએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને યુવા પેઢીમાં સરદાર સાહેબના આદર્શોનું સિંચન થયું હોવાનું દ્રશ્યમાન થયું હતું.
આ યાત્રામાં કલેક્ટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સુ મમતા હીરપરા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
