હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના શ્યામ શુકન–પી.ડી.પી.યુ ચાર રસ્તાથી ‘સરદાર @150 યુનિટી માર્ચ’ નું ફ્લેગઓફ કરાવ્યું હતું. આ અવસરે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશવ્યાપી રીતે યોજાતી આ યુનિટી માર્ચનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો છે. ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ સાથે યોજાયેલી પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રીએ હાજર વિશાળ જનસમુદાયને સંબોધતા જણાવ્યું કે આ પદયાત્રા રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે અને સરદાર સાહેબના મજબૂત સંકલ્પો અને અવિરત પ્રયત્નોનું સ્મરણ કરાવે છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કલમ 370 દૂર કરાઈ, આમ સાચા અર્થમાં અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. યુવાનોને સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા અને તેમના વિચારોને સમજવા પુસ્તકો વાંચવા તેમણે અનુરોધ કર્યો. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરદાર સાહેબના એકતાના સંદેશને વૈશ્વિક સ્તરે પહોંચાડવા બદલ પ્રધાનમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો.
અગાઉ ભૂલવાડવામાં આવેલા સરદાર સાહેબના ઇતિહાસને આ ભવ્ય ઉજવણી પ્રબળ જવાબ છે, તેમ કહી નાયબ મુખ્યમંત્રીએ ‘જય સરદાર’ના નાદ સાથે પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ તકે 500 મીટર લાંબા તિરંગા સાથે પદયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ સહભાગી થયા હતા.
આ અવસરે મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, સાંસદ એચ.એસ. પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા કલેકટર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા સહિત મોટા પ્રામાણમાં નગરજનો હાજર રહ્યા હતાં.
