છોટાઉદેપુર,
છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાના “૭૪ મા સ્વાતંત્ર્ય દિવસ” ની ઉજવણી જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં છોટાઉદેપુરમાં આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા, માજી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, શંકરભાઇ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધીક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ વન સંરક્ષક નિલેશભાઇ પંડયા, અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.ગાવિત, પ્રાંત અધિકારી કલ્પેશભાઇ ઉનડકટ,પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવા તેમજ જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય તિરંગાને સલામી આપી જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ પ્રજાજોગ સંબોધન કરતા રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદવીરોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
હાલમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તો તે દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં જિલ્લાની જનતાએ આપેલ સમર્થનને બિરદાવી જિલ્લાની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. મનરેગા યોજના અંતર્ગત લોકડાઉન દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ૬૦૭૫૮ શ્રમિકોને રોજગારી આપી ૧૪.૬૫ લાખ માનવદિન રોજગારી ઉભી કરી રૂા. ૩૧.૦૪ કરોડનું ચૂકવણું કરવામાં કહી તેમણે જિલ્લાની જનતાને કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ફરજિયાત હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરવા તથા માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કર્યો હતો. આજના કાર્યક્રમ દરમિયાન કલેકટર અને અન્ય મહાનુભાવોએ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી અને કોરોના વૉરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર