હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં PBSC અને 181 મહિલા અભ્યમ ટીમની સંયુક્ત કામગીરીથી મહિલા અરજદારને તેની 3 વર્ષની બાળકી સાથે ફરી મિલન કરાવવામાં સફળતા મળી છે. સાથે જ લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ દંપતી વચ્ચે સુખદ સમાધાન પણ કરાવવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તૈરેયા અને જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મંસૂરીના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. એક મહિના પહેલા ઘરેલુ હિંસાથી પીડિત મહિલા બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવેલા PBSC સેન્ટર પર પહોંચી હતી.
કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણાએ મહિલાની વ્યથા સાંભળી તેને સાંત્વના આપી અને મહિલા હેલ્પલાઈન 181 અભ્યમ અંગે માહિતી આપી. બાદમાં 181 ટીમની કાઉન્સેલર જલ્પાબેન તથા તેમની ટીમે મહિલાને તેની બાળકી સાથે મિલાપ કરાવી આપ્યો હતો, તેમજ તેમના પરિવાર માટે લાંબા ગાળાના કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવી.
PBSC બોટાદ ખાતે બન્ને પક્ષોનું વ્યક્તિગત અને જૂથ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન તેમજ લગ્નજીવનના મહત્વ વિષે ચર્ચા કરવામાં આવી. કાઉન્સેલિંગ દરમિયાન દંપતી તથા તેમના પરિવારને સાથે બેસાડી પારિવારિક વાતાવરણમાં ચર્ચા થઈ. અંતે બન્ને પક્ષોની ઈચ્છા અને રાજી-ખુશીથી સમાધાન કરવામાં આવ્યું હતું. અરજદાર પોતાની દીકરી સાથે હાલ સાસરીમાં પરત ગયાં છે.
