હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ભારત-ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં રહેલી સામ્યતાનો ઉલ્લેખ કરીને આ સંબંધનું ફલક ભવિષ્યમાં વધુ સંગીન બનાવવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઇઝરાયેલના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ નિહાળવાની ખેવના સાથે ગુજરાતમાં બિઝનેસ-ટુ-બિઝનેસ રિલેશન્સ વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાંકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની સંભાવનાઓ સંદર્ભમાં તેઓ ખાસ ગુજરાત આવ્યા છે.
મુખ્યમંત્રીએ ઇઝરાયેલે ડ્રીપ ઈરીગેશનમાં હાંસલ કરેલ મહારથ તથા અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટને ગુજરાતમાં સહયોગ માટે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવતી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગિફ્ટ સિટીમાં રોકાણો અને વ્યવસાય કારોબાર માટે ઇઝરાયેલના નાણામંત્રીશ્રીએ જે ઉંડો રસ દાખવ્યો તેને આવકારતા કહ્યું કે, આ દિશામાં વધુ તકો માટે ગુજરાત સરકારના અને ઇઝરાયેલના અધિકારીઓની એક જોઈન્ટ ટીમ બનાવીને ચર્ચા પરામર્શથી આગળ વધી શકાય તેમ છે.
મુખ્યમંત્રીએ ઇઝરાયેલમાં તાજેતરની ઘટનાઓમાં મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના પણ આ તકે વ્યક્ત કરીને ઇઝરાયેલ આતંકવાદ સામે ઝિરો ટોલરન્સની નીતિમાં ખૂબ મક્કમતાથી આગળ વધ્યું હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આતંકવાદ સામેની લડાઈ યથાવત રાખીને આતંકવાદને નાબુદ કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
