હિન્દ ન્યુઝ, ભાવનગર
વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની આરાધનાના અનેરા પર્વ ગણેશ ઉત્સવની ગોહિલવાડમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે.ભાવનગર શહેર પાનવાડી વિસ્તારમાં વિરમાંધાતા ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ પંડાલમાં ગણપતિબાપાની મૂર્તિની સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો છે.
જેમાં એક ગણપતિ મૂર્તિ ઉપર સુખી પરિવાર વ્યસન વગરનો બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજી મુર્તિની સાથે વ્યસન વાળો દુ:ખી પરિવાર દર્શાવવામાં આવ્યો છે. આમ વ્યસન મુક્તિના થીમ પર બનાવવામાં આવેલા આ પંડાલ લોકોનું આકર્ષણ જમાવ્યુ છે.
આ પંડાલમાં “વ્યસનોથી દૂર રહો, પરિવારને ખુશ રાખો”, “તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસન છોડો”, “દારૂ મોતની નિશાની છે”,”વ્યસનોથી બાળકોનું ભવિષ્ય બરબાદ થાય છે” ના સૂત્રો સાથે વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવામાં આવ્યો છે.
આમ,ભાવનગર શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ સ્થળોએ ઓપરેશન સિંદૂર, ઇકો ફ્રેન્ડલી અને સામાજિક સંદેશાઓ સાથે વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
