જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈને કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી.

બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જમીન માપણી, વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, રોડ-રસ્તા અને બ્રિજના બાંધકામના કામોની વર્તમાન સ્થિતિ, સિંચાઈ વિભાગ, જી.એસ.આર.ટી.સી., મહેસુલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, વન વિભાગ, પીજીવીસીએલ અને ખાણ ખનીજ વિભાગ સંબંધિત પ્રશ્નોની જનપ્રતિનિધિઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને લોકો તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. તેમણે તમામ પડતર કામોનો ઝડપથી અને સમયમર્યાદામાં નિકાલ લાવવા પર પણ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્ન, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર સહિત સંકલન સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment