હિન્દ ન્યુઝ, આણંદ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ૭૦ શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવતા આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આ શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સ ના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી ઓનલાઈન આણંદ જિલ્લાને ફાળવવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૭૦ શિક્ષણ સહાયક ને નિમણૂક હુકમ આપવામાં આવે છે, આ નવનિયુક્ત શિક્ષણ સહાયકો શિક્ષકોની ફરજો થી વાકેફ બની વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનું શિક્ષણ આપે તેમ જણાવી નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવાના સમયે આણંદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘના હોદ્દેદારો ભરતભાઈ પટેલ, શિક્ષણ વિભાગના નોડલ ઓફિસર એમ.એમ. શેખ, શિક્ષણ નિરીક્ષક ટી એસ. સોલંકી સહિત શિક્ષણ વિભાગ ના અધિકારી કર્મચારીઓ સહિત શિક્ષણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
