હિન્દ ન્યુઝ, સુરત
વિદ્યાર્થીઓ કારકિર્દીની યોગ્ય દિશા તરફ વળે તે માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ વર્ષે ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓને ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ-સાયન્સ, કોમર્સ, આર્ટ્સ) બાદ કારકિર્દીની તકો સહિત યોગ્ય દિશા નિર્દેશન મળી શકશે.
આ અંકમાં ભવેન કચ્છી, રમેશ તન્ના, ખ્યાતિ જોષી સહિતના લેખકોના ૫૧ પ્રેરણાદાયી લેખો, ધો.૧૦ પછી આઈ.ટી.આઈ., સી-ડેકના અદ્યતન અભ્યાસક્રમો તેમજ ધો.૧૨ પછી વિનયન વિદ્યાશાખા, મેડિકલ-પેરામેડિકલ, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં ચાલતા ઉચ્ચ અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ ક્ષેત્રની વિવિધ શાખાઓ, ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ઉભરતી કારકિર્દી, વિદેશમાં અભ્યાસ અને નોકરીની તકો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભારતીય સશસ્ત્રદળો, ફિલ્મ, કલા, અભિનય, કાયદા, જનસંપર્ક, કૃષિ, સહિતના ક્ષેત્રોમાં આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો સહિતનું માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું છે. દિવ્યાંગજનોના પુનવર્સન અને વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દીની તકો પણ આ અંકમાં સમાવિષ્ટ છે.
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ અંક ફક્ત રૂ.૨૦ના નજીવા દરે પ્રાદેશિક માહિતી કચેરી-સુરત, પહેલો માળ, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાવડી ઓવારા સામે, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતેથી મળી શકશે.
