હિન્દ ન્યુઝ, બોટાદ
ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે બોટાદ ખાતે અનાથ બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અનાથ બાળકો પ્રત્યે સંવેદનશીલ અને માનવતા સભર અભિગમ દાખવતા પ્રતિષ્ઠિત કાર્યકરો અને સંસ્થાઓના સહયોગથી આવા બાળકો માટે સાયકલ વ્યવસ્થા કરવામાં આવી છે.
અનાથ બાળકો માટે શિક્ષણના માર્ગમાં સામાજિક અને ભૌતિક અવરોધો નડતર રૂપ ન બને અને બાળકો સુગમતાથી અને સમયસર શાળા એ પહોંચી શકે તે હેતુથી તેમને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાયકલ મળતા બાળકોના ચહેરાઓ ઉપર ખુશીની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રતીક રૂપે ૩ બાળકો અને જિલ્લાના કુલ ૧૦ બાળકોને સાયકલ આપવામાં આવી હતી.
આ અવસરે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલીયા સહિત અધિકારીઓ અને જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
