હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ માર્ચ સુધી ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવનાર છે.
આ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ એક્શન પ્લાન અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી દ્વારા ડી.ઝેડ. પટેલ હાઇસ્કુલ, આણંદ ખાતે કેન્દ્ર સંચાલકની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એ જિલ્લા કક્ષાએ સુચારુ પરીક્ષાના આયોજન બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ કોઈપણ જાતની બીક રાખ્યા વગર, ટેન્શન રાખ્યા વગર પરીક્ષા આપી શકે તે જોવાં જણાવ્યુ હતું.
ઝોનલ અધિકારી તેજેન્દ્રસિંહ સોલંકી અને તરંગ પટેલ દ્વારા પરીક્ષામાં ધ્યાન રાખવાના મુદ્દાઓની ઉદાહરણ સહિત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મિટિંગમાં આણંદ જિલ્લા સંકલન સમિતિના તમામ સંઘના હોદ્દેદારઓ, HSC વિજ્ઞાન પ્રવાહના, HSC સામાન્ય પ્રવાહના, SSC ઝોનના સ્થળ સંચાલકઓ અને પરીક્ષાના ઝોનલ અધિકારીઓ અને મદદનીશ ઝોનલ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડૉ. રિયાઝ દિવાન દ્વારા કરવામાં આવ્યું હતું.