ડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન

હિન્દ ન્યુઝ, ડાંગ

રાજ્ય સરકારે તાજેતરમા જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમા કરેલી બદલી અને બઢતીના કારણે ડાંગમાંથી, વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ભાવભીનુ વિદાયમાન આપ્યુ હતુ. કલેક્ટર મહેશ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી.

સાથે જ વિજળી, નાણાં અને પાણી બચાવવા સાથે, કચેરીના રિસોર્સનો બહેતર ઉપયોગ કરી પ્રજાહિત માટે કઇ રીતે વધુ સારુ કાર્ય કરી શકાય તે માટે વિષેશ ધ્યાન આપ્યુ હતુ. જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ માટેનો રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ એવોર્ડ’ મળવા પામ્યો હતો. જ્યારે કૃષિ ક્ષેત્રે પ્રશંસનિય કામગીરી માટે ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ અને ડાંગ પોલીસ પ્રશાસનને તેમના સંવેદનાસભર ‘દેવી પ્રોજેકટ’ માટે ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો હતો. આ સાથે જ ગત રવિવારે બનેલા બસ અકસ્માતની ઘટનામા પણ તેમણે ખડેપગે રહી રાહત બચાવ કામગીરી બાબતે તંત્રને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. તો આ અગાઉ જિલ્લામા ડિઝાસ્ટરને લગતી બાબતો, ઘટનાઓમા પણ તેમણે સમય સૂચકતા સાથે પરિસ્થિતી સાથે તાલમેળ સાધ્યો હતો.

કલેકટર મહેશ પટેલે પોતાના અનુભવ અને સુમેળભર્યા સ્વભાવથી સૌ અધિકારી, કર્મચારી, પદાધિકારીઓ, અને પ્રજાજનોનો વિશ્વાસ સંપાદિત કરી, સૌને સુશાસનનો અહેસાસ કરાવ્યો હતો. તે જ રીતે અધિક નિવાસી કલેક્ટર બી.બી.ચૌધરીએ પણ પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની ફરજ ઉપરાંત ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી, પ્રજાહિતના નિર્ણયો લીધા હતા. વિદાય પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, વહીવટી તંત્રના તમામ અધિકારી કર્મચારીઓ હંમેશા સંકલન સાથે માનવહિત માટે કાર્ય કરે તે જરૂરી છે. ગુડ ગવર્નન્સ તરીકે આપણે અભિગમ બદલી, નાગરીકોના જીવનમા સુખદ પરિવર્તન માટે પ્રયત્નશીલ રહેવુ જોઇએ.

દરમિયાન ડાંગ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી, કર્મચારીઓએ બન્ને વડાઓના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવો સાથે તેઓની કામગીરીની પદ્ધતિ અંગે સંસ્મરણો રજુ કર્યા હતા. જિલ્લાના બન્ને વડાઓને નવી જવાબદારીઓ બદલ શુભકામનાઓ પાઠવી, શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલને રાજ્ય સરકારે નાણાં વિભાગમા સેક્રેટરી, તેમજ નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને પોરબંદર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની, નવી જવાબદારીઓ સુપ્રત કરી છે. –

Related posts

Leave a Comment