હિન્દ ન્યુઝ, સુરત
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. (NSS ) વિભાગ દ્વારા તારીખ ૩ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન પ્રાથમિક શાળા રંભાસ તા.વઘઈ ખાતે કરવામાં આવેલ છે. માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંગળભાઇ ગાવિતે એન.એસ.એસ વિભાગનું મહત્વ સમજાવી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને એન.એસ.એસ.ની તાલીમ મેળવી કઇ રીતના સમાજ સેવા કરી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. રંભાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સ્મિતાબેન ચૌધરી વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનનો ખ્યાલ આપી, ગામમાં એન.એસ.એસ. દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ કરી લોકોને વિવિધ વિષયો બાબતે જાગૃત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ કોલેજના આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડે, પ્રાધ્યાપક વિનય પટેલ, તેમજ પ્રગતીશીલ ખેડુત કાશીરામભાઈ બીરારીએ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયેશભાઈ ગાવીત તેમજ ડૉ. ઉમેશભાઈ હડસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી વિનયન અને વાણિજય કોલેજના સર્વ પ્રાધ્યાકઓ ડૉ.ભગીનાબેન પટેલ, ડૉ.દિલીપભાઈ ગાવિત, ડૉ.હરેશભાઈ વરુ, પ્રા.વિનોદભાઈ ગવળી, પ્રા.આશુતોષ કરેવાર અને પ્રા.ગૌરાંગભાઈ ગાઈન, તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. –