કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત

હિન્દ ન્યુઝ, ડાંગ

       ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૧/૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ગાઢવીમાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર કોટબામાં એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા એનક્યુએએસ એસસેસમેન્ટ કરાયું હતું. જેમાં ૯૩.૧૯% સ્કોર સાથે કોટબા આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ (National quality assurance standards, NQAS) એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કુલ ૪ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે.

                જેમાં કોશમકુવા વલસાડ ૯૨.૫૮% સ્કોર, કોટબા ડાંગ ૯૩.૧૯% સ્કોર, મોરડીયા ગીર સોમનાથ ૮૮.૯૨% સ્કોર, અને પાલડી ખેડા ૮૮.૪૧% સ્કોર સાથે નક્કી કુલ ૬ માપદંડોની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતા. જેમાં ગુજરાતમાં કોટબા આયુષ્માન આરોગ્ય મંદિરને સૌથી વધુ સ્કોર પ્રાપ્ત થયાં હતાં. કોટબા,આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની તેમજ પ્રસૂતાની પ્રસૂતિ પછીની સાર સંભાળ, નવજાત શિશુ અને વર્ષથી નાના બાળકની આરોગ્યની સંભાળ, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું નિદાન, આંખ, નાક, કાન તથા ગળાને લગતી બીમારી અને રોગોનું સ્ક્રિનિંગ, નિદાન સહિત ૧૨ સેવાઓ અપાઈ રહી છે. દિલ્હીની ટીમ દ્વારા આરોગ્ય અંગેના આ તમામ પાસાંઓની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતાં.

              આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત, ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. દિલિપકુમાર શર્મા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.અનુરાધા ગામીત, પી.એચ.સી મેડિકલ ઓફિસર ડો.રેણુકા ચૌધરી,મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર સાજીદ શૈખ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સુ.શ્રી દિપ્તી આમોસ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર હતા. –

Related posts

Leave a Comment