હિન્દ ન્યુઝ, નાંદોદ
રાજય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવા શુભ આશયથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાંદોદ તાલુકા મથકે સરદાર ટાઉનહોલના પ્રાંગણમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. નાંદોદ તાલુકાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે પણ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ ટાઉનહોલ ખાતે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલની મુલાકાત કરી હતી. તેઓની સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટોલ પણ જોડાયા હતા.
આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને સ્ટોલ પર ઉપસ્થિત વિવિધ કચેરીના અધિકારી-કર્મચારીઓ સાથે તેઓએ કૃષિલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. નાંદોદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં બીજા દિવસે પણ ઉમટી સ્ટોલની મુલાકાત સાથે સરકારશ્રીની કૃષિલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી-સાહિત્ય મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. બે દિવસ દમિયાન તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં કૃષિ મહોત્સવનો લાભ લીધો હતો અને તેમની ખેતીમાં ઉપયોગી માર્ગદર્શન મેળવીને તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ જાણકારી મેળવી હતી.