હિન્દ ન્યુઝ, નડિયાદ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષા શાળાકીય (S.G.F.I) અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ ટેકવોન્ડોની સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ-ખેડા ખાતે તા. ૨૬ ઓકટોબર ૨૦૨૪ થી ૨૮ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (રાજ્યકક્ષા ટેકવોન્ડો સ્પર્ધા) યોજાઈ હતી. આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા સંસ્થાનાં કુલ ૦૯ વિદ્યાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં અંડર-૧૪ (વેટ કેટેગરી ૧૮થી ૨૧) માં ભાગ લેનાર વિદ્યાર્થી વિવેક દિલીપભાઈ વસાવાએ સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા- નર્મદા જિલ્લા સહિત પોતાના અંતરિયાળ ગામ કાંદા દેડિયાપાડાનું નામ રોશન કર્યું છે.
ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસિયેશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા નર્મદાની સંસ્થામાં આશ્રિત બાળક વિવેકભાઈ વસાવા મૂળ નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકાના કાંદા ગામના છે. પિતાની છત્રછાયા ન હોવાથી આ ૧૦ વર્ષના બાળકનું ભવિષ્ય ન રૂંધાય જાય તે માટે જુન-૨૦૨૪ થી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા સંસ્થામાં કાળજી અને રક્ષણ માટે આશ્રય હેઠળ રહે છે. હાલ તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા રાજપીપળા ખાતે ધો- ૬ માં અભ્યાસ કરે છે. આ બાળકને રાજ્યકક્ષા સુધી મોકલવા સતત તાલીમ અને પ્રેક્ટીસ કરાવનાર સંસ્થાના પી. ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર રાજદીપભાઈ પાસવાન તથા રમત ગમત સંકુલ રાજપીપળા- નર્મદાના કોચ જીતેન્દ્રભાઈ વસાવાની સતત મહેનત અને અથાક પ્રયત્નથી સફળતા મળી છે. જેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ઈ.ચા બાળ સુરક્ષા અધિકારી તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનાં સુપ્રીટેન્ડન્ટ અને કર્મચારીગણ દ્વારા બાળક વિવેકને ઉત્તરોત્તર પ્રગતિ કરી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે તેમ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.