હિન્દ ન્યુઝ, નવસારી
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત આજથી રાષ્ટ્રવ્યાપી ‘૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો’ શુભારંભ થયો છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારીમાં અનાવીલ સમાજની વાડી ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની સફળતાની કામના કરીને તેમણે આ પ્રસંગે નિ:ક્ષય મિત્રો અને સ્વાસ્થ્ય કર્મીઓની કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. ક્ષય હવે સાધ્ય રોગ છે અને સમયસર સારવાર થકી તેને હરાવી શકાય છે, તેમ કહીને મંત્રી પટેલે આજથી શરૂ થનારી ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબીને હરાવવાના સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સામૂહિક પ્રયાસોને નવી ઊર્જા મળશે, તેમ જણાવ્યું હતું. જનભાગીદારીથી ટીબીને હરાવીશું તેમ કહી મંત્રીએ આ ઝુંબેશથી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળતા અપાવવા સૌના સહિયારા પ્રયાસની હિમાયત કરી હતી.
સ્વચ્છતા થકી તમામ બિમારીઓને પોતાનાથી દૂર રાખીને તેમણે ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ની વાત કરી હતી. જનભાગીદારીથી ટીબી મુક્ત ગુજરાતથી ટીબી મુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા મંત્રીશ્રીએ સૌને સંકલ્પિત કર્યા હતા. જાહેર આરોગ્ય એ આ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે તેમ કહીને મંત્રીએ રાજ્યની જાહેર આરોગ્ય સુવિધાઓ વર્ણવી હતી. ‘ટીબી મુક્ત ભારત’ના લક્ષ્યને સાકાર કરવા માટે ગુજરાતને ટીબી મુક્ત બનાવવું પડશે અને તેની શરુઆત ઘર અને વિસ્તારથી કરવી પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં હાલ ૧૬૧૦ ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થઈ ચૂકી છે, તેમ કહીને તેમણે નવસારી જિલ્લો પણ ટીબી મુક્ત જાહેર થાય તે માટે સઘન પ્રયાસો કરવા હાંકલ કરી હતી.
આ સાથે જ ટીબી નિર્મૂલન ઝુંબેશમાં સક્રિય રીતે સહભાગી થઈ ટીબી મુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવા માટે પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ આજથી શરૂ થનારી ઝુંબેશથી ટીબી નિર્મૂલન માટેના વર્તમાન પ્રયાસોને નવો વેગ મળશે તેમ જણાવ્યું હતું. સરકાર અને લોકોના સહિયારા પ્રયાસથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા ‘ટીબી મુક્ત ભારત’નો સંકલ્પ ટૂંક જ સમયમાં સાકાર કરીશું તેમ ઉમેર્યું હતું. ક્ષય રોગથી જાગૃત થઈને સાવચેતી તેમજ નિયમિતપણે સારવારથી ‘ટીબી હારશે, ભારત જીતશે’ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન નિ:ક્ષય મિત્રો, ટીબી વિજેતા અને સ્વાસ્થ્ય કર્મીઓ સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો. તેમજ આરોગ્ય શાખા દ્વારા આ ઝુંબેશ અંતર્ગત થનારા કાર્યો અને પ્રવૃત્તિઓની ઝીણવટપૂર્વક માહિતી મેળવીને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ટીબી નિર્મૂલન માટે કામ કરતી વ્યક્તિઓ, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ ઉમદા કામગીરી કરનાર નિ:ક્ષય મિત્રોને મહાનુભાવોના હસ્તે પ્રશિસ્ત પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત ટીબી દર્દીના સંબંધીઓને નિ:ક્ષય પોષણ કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ નિ:ક્ષય વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. હરિયાણાના પંચકૂલા ખાતેથી આયોજીત રાષ્ટ્રકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. મહત્વનું છે કે, આ ઝુંબેશ દરમિયાન ટીબીના નવા કેસ ઝડપથી શોધવા, ત્વરિત અને સઘન સારવાર કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર દેશમાં જાહેર આરોગ્યમાં સુધારો લાવવો તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કિટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે.
આ સઘન ઝુંબેશમાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી પણ મેળવવામાં આવશે. નવસારીમાં અનાવીલ સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા, કલેક્ટર સુ ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિનલબેન દેસાઈ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન આહીર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સ્ટાફ, નિ:ક્ષય મિત્રો, ટીબી વિજેતાઓ, હેલ્થ વર્કર્સ ઉપસ્થિત રહ્યા હતા.
