જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર

            રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી કલાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને બહાર લાવવા માટે સરકારનું આ આવકારદાયક પગલું છે. જેના પરિણામે અનેક યુવાઓની કલાક્ષેત્રે ઓળખ ઊભી થશે અને તેઓને આગળ આવવાની પણ તક મળશે.શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમત ગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે.

             ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલામહાકુંભ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં રાસ, ગરબા અને લગ્નગીત સહિત 23 વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

             આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભરતભાઈ પરમાર, હિતેશભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment