હિન્દ ન્યૂઝ, જેતપુર
જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૦૭/૧૧/૨૦૨૦ નારોજ સાંજના સમયે સીનીયર સીટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા તથા મોબાઇલોની અલગ અલગ છ જગ્યાએથી લુંટ કરી નાસી ગયેલ. જે અંગે જેતપુર સીટી પો.સ્ટે. ખાતે બે ગુના દાખલ થયેલ હતા. જેથી જેતપુર સીટી પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઇ અલગ-અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી તથા ઈ ગુજકોપ એપ્લીકેશન તથા બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરી હતી. આ દરમ્યાન પોલીસને ખાનગી રાહે હકીકત મળેલ કે આ લૂંટના ગુન્હામાં વપરાયેલું એક્ટીવા, વડીયા મુકામે ફરી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી મળતા જ પોલીસની એક ટીમ વડીયા મુકામે રવાના થઈ હતી. જ્યાંથી બે શંકાસ્પદ વીજય ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાભણીયા અને કાનો ચિનુભાઈ લાલકીયા નામના બને ઇસમોને જેતપુર સીટી પોલીસ સ્ટેશને લવાયા હતા. પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને ઇસમો ભાંગી પડ્યા હતા અને પોપટ બની તેમના ગુન્હાની કબૂલાત કરી હતી. આરોપીઓએ લૂંટનો મૂદ્દામાલ ચાંપરાજપુર રેલ્વે સ્ટેશન થી આગળ રોડની સાઇડમાં દાટેલ હેવાનું જણાવ્યુ હતું. જેથી બંને આરોપીઓને સાથે રાખી બન્ને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ જેમાં ૧૩ જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, ગુન્હામાં વપરાયેલું એક્ટિવા અને રોકડ રકમ રૂ ૪૩૨૦/- સહિત કુલ રૂ ૬૫૭૨૦/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર