આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

હિન્દ ન્યુઝ, 

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 39 ગામોમાં ‘નિર્મળ ગુજરાત’ પહેલ અંતર્ગત બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુઓના છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ભારત બાયોગેસ એનર્જિ લી. તથા આણંદ જિલ્લા પંચાયત વચ્ચે MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા CSR ના ભાગરૂપે આણંદ જિલ્લાના 25 ગામોમાં ડોર-ટુ-ડોર કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલ 25 ઈ-રિક્ષાનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે 70 વર્ષથી વધુ વયના ‘વયવંદના’ યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગત ચિંતન શિબિરમાં આણંદ કલેક્ટરને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ રૂ.51,000 પુરસ્કારની રકમનો ચેક આજે તેમણે જિલ્લાની આંગણવાડીઓના વિકાસ માટે મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત, મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના ખ્યાતનામ કાર્ડિઓલોજીસ્ટ પદ્મભૂષણ ડૉ.તેજસ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના વરદહસ્તે કાર્યક્રમના અંતે ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા એકત્રિત થયેલ મુદ્દામાલને અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તમામ ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂક્યો છે ત્યારે ગુજરાતે પણ શિક્ષણ સહિત સર્વાંગી વિકાસને આગળ ધપાવ્યો છે. તેમણે આજે થયેલ વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત, MoU, સ્વચ્છતા સહિતની કામગીરી અંગે સૌને વિસ્તારપૂર્વક માહિતી આપતા કહ્યું હતું કે, પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના માનનીય વડાપ્રધાનના મંત્ર અને પ્રો-પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને આ વિવિધ વિકાસ કામોથી સાકાર કરી છે.

મુખ્યમંત્રીએ દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન ગુજરાતના સર્વાંગી વિકાસ સહિત નાગરિક સુખાકારીને વધુ સુદ્રઢ કરવા અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં સૌના સહકારથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment