આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી ખાતે ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિકાસકામોના આયોજન અંગે બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત

    આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકાના પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ ખાતે ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે માંડવી તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિકાસકામોના આયોજન અંગે બેઠક મળી હતી.  

             બેઠકમાં માંડવી પ્રાયોજના વિસ્તારના આદિજાતિ બાંધવોના ઉત્થાન માટે કૃષિ, પશુપાલન, સિંચાઇ, ડેરી, આરોગ્ય, શિક્ષણ વીજળી, ગ્રામ વિકાસ, રોજગાર તેમજ પોષણ સહિત ૨૦ વિભાગોના હાથ ધરાનાર કુલ રૂ.૮.૦૫ કરોડનાં વિકાસકામોનું આયોજન ધડી કઢાયું હતું.

             વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે પ્રાયોજના વિસ્તારના ઉત્કર્ષ માટે કરાયેલી વિવિધ જોગવાઈઓ પૈકી સૌથી વધુ સામાન્ય શિક્ષણ માટે રૂ. ૧૫૪.૨૧ કરોડના ખર્ચે શાળાઓ માટે ઓરડા, બોર, મોટર વીથ મીની ટાંકી, સેનિટેશન, શાળામાં પેવરબ્લોક, સેન્ડલીંગ જાળીની સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નાની સિંચાઇ માટે રૂ. ૧૧૮.૨૬ કરોડનાં ખર્ચે સિંચાઇ માટેનાં બોર, એલ.આઈ કે સામૂહિક કૂવાના કામોનો સમાવેશ કરાયો હતો.

             કૃષિ માટે રૂ.૭૧.૦૩ લાખની જોગવાઈમાં કૃષિ આધારિત યોજનાઓનાં લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ અને પુલોના બાંધકામ પેટે રૂ.૧૧૧.૩૦ લાખ, ગ્રામ વિકાસ ક્ષેત્રે રૂ. ૪૨.૦૯ લાખ, પછાત વર્ગના કલ્યાણ અર્થે રૂ.૬૮.૮૭ લાખ તેમજ અન્ય યોજનાઓ માટે આયોજન હાથ ધરાયું હતું.

             આ પ્રસંગે મંત્રીએ તમામ વિભાગનાં કર્મચારીઓને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પ્રાથમિકતા આપી યોજનાઓનો લાભ સમાનતાના ધોરણે મહત્તમ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મધ્યાહન ભોજન હેઠળ બાળકોને નાગલીના બિસ્કિટનું વિતરણ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ડિજિટલ એક્સ રે તેમજ લેબોરેટરીને લગતા આધુનિક સાધનો વધારી લોકોની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને વિકાસકાર્યોને સમયબદ્ધ આયોજન કરી પૂર્ણ કરવા અને પ્રગતિ અહેવાલ બનાવવા પણ તાકીદ કરી હતી. 

             આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, પ્રાયોજના વહીવટદાર શ્રીમતી નિધી સિવાચ, મામલતદાર ફ્રાન્સીસ વસાવા, તાલુકા વિકાસ અધિકારી આર.એલ.સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર (ઉત્તર) આર.પી.વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષિણ રેન્જ એચ.જે વાંદા, જિલ્લા પં. સદસ્ય રોહિત પટેલ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા મહિલા અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment