હિન્દ ન્યુઝ, ગાંધીનગર
માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં યોજાયો હતો.
સહકાર રાજ્યમંત્રી, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં ADC બેંકની સહયોગી સેવા સહકાર મંડળીઓને વ્હીલચેર, વોકર, વોકિંગ સ્ટિક જેવા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બેંકની 100 વર્ષની યાત્રાને વર્ણવતી ‘સ્વર્ણિમ શતાબ્દી પુસ્તિકા’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ સામૂહિક ઉત્કર્ષ દ્વારા સાતત્યપૂર્ણ કામગીરી કરતી ADC બેંકના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અભિનંદન પાઠવતા બેંકને અનેક મંડળીઓ, ખેડૂતો, પશુપાલકોના જીવનમાં અજવાળું પાથરનારી ગણાવી હતી. તેમણે સહકારી સંસ્થાઓમાં સહકારના અભિગમને અપનાવીને પ્રગતિના માર્ગ પર વધુ તેજ ગતિથી આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના અવસરે બેંક સાથે જોડાયેલ પદાધિકારીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકારથી સમૃદ્ધિ’ની દિશામાં ગુજરાત અગ્રેસર બન્યું છે. સહકારીતા વચ્ચે સહકારની સાથે ADC બેંકની અભૂતપૂર્વ પ્રગતિ, નિર્ણયો અને સુવિધાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ નવા સોપાનો સાથે બેંકની વિકાસકુચ અવિરત ચાલી રહે તેવી શુભકામના પાઠવી હતી.