હિન્દ ન્યુઝ, જામનગર
તાજેતરમાં સમગ્ર જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરીમાં જોડાયેલ જામનગર જિલ્લાના શિક્ષક શ્રી કલ્પેશભાઈ માંડવીયાનું હૃદયરોગના કારણે દુઃખદ અવસાન થયું હતું. જે અંગે રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ દિલગીરી વ્યક્ત કરી હતી.
મંત્રીએ મૃત્યુ પામેલા દિવંગત શિક્ષક સ્વ.કલ્પેશભાઈ ભીખાભાઈ માંડવીયાના પરિવાર પ્રત્યે દિલસોજી પાઠવી હતી. તેમજ મૃતક શિક્ષકના પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા 25 લાખની સહાય આપવાની રજૂઆત રાહત કમિશનર, મહેસૂલ સચિવ તેમજ જિલ્લા કલેકટર સુધી પહોંચાડી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાએ આ અંગે જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે.
વિશેષમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલ્પેશભાઈના પરિવારને શોક સંદેશ પાઠવ્યો હતો અને મૃતક શિક્ષકના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સહાનુભૂતિ પાઠવી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ખાસ કિસ્સામાં સહાય આપવા અંગે લગત સચિવઓને ખાસ સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.